હવે ઓડિશાના પ્રસિધ્ધ મંદિરના પ્રસાદમાં ભેળસેળિયા ઘીનો વિવાદ
ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં પ્રસિદ્ધ બાલાદેવજ્યુ મંદિરના ભોગ પ્રસાદને લઈને વિવાદ સર્જાયો છે. શુક્રવારે (ચોથી ઓક્ટોબર) અહીં મંદિરના સેવકોએ 300 વર્ષ જૂના મંદિરમાં પ્રસાદ અને ભોગ તૈયાર કરવામાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. મંદિરના એક પૂજારીએ મંદિરના રસોડામાં ભેળસેળયુક્ત ઘીના ટીન જોયા અને મંદિર પ્રબંધન સમિતિ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
મંદિર સત્તાવાળાઓએ તાજેતરમાં નવરાત્રિના દરમિયાન મંદિર ભોગ તૈયાર કરવા માટે સરકારી માલિકીના ઓમફેડ ઘીના છ ટીન ખરીદ્યા હતા. જ્યારે તેમણે જોયું તો રસોડામાં રાખવામાં આવેલા ઘીમાં ગંધ અને ખાટો સ્વાદ હતો.
આ અંગે મંદિરના અન્ય પૂજારીઓ અને રસોઈયાઓએ પણ ઘીની શુદ્ધતા પર શંકા વ્યક્ત કરી હતી.
બાલાદેવજ્યુ મંદિર મેનેજમેન્ટ કમિટીના એક્ઝિક્યુટિવ ઓફિસર બલભદ્ર પત્રીએ જણાવ્યું હતું કે, પOMFEDએ મંદિરમાં હલકી ગુણવત્તાનું ઘી સપ્લાય કર્યું હતું. જેના કારણે ઘીમાંથી દુર્ગંધ આવી રહી હતી. અમે શુક્રવારે કેન્દ્રપરામાં આવેલી OMFED શાખાની ઓફિસમાં ઘીના તમામ પાંચ ડબ્બા પરત કર્યા.
OMFED, કેન્દ્રપારા શાખાના માર્કેટિંગ ઇન્ચાર્જ લિંગરાજ પરિડાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમારા દ્વારા મંદિરમાં સપ્લાય કરવામાં આવતા ઘીમાંથી દુર્ગંધ આવતી હતી કારણ કે તે ખૂબ લાંબા સમય સુધી ભેજ અને ગરમીના સંપર્કમાં રહે છે. અમે મંદિરના અધિકારીઓને ઘીનો સંગ્રહ ઠંડા વાતાવરણમાં કરવા સૂચના આપી છે. અમારા દ્વારા સપ્લાય કરવામાં આવેલ અશુદ્ધ ઘીનો આરોપ સાચો નથી.