ઇન્ટેલીજન્સ બાતમી નહીં, પ્રેમમાં દગાએ દેશને બચાવ્યો
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના દાવા પ્રમાણે વ્હાઇટ કોલર આતંકી મોડયુલનો પર્દાફાશ પ્રેમી દ્વારા તરછોડાયેલી યુવતીના કારણે થયો
દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ અને કાશ્મીરમાં પકડાયેલા હાઈ-પ્રોફાઈલ આતંકી મોડ્યુલ વચ્ચેની કડી એક તૂટેલા સંબંધ સાથે જોડાયેલી છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક સનસનીખેજ દાવો કર્યો છે કે, સુરક્ષા એજન્સીઓના ઇન્ટેલિજન્સથી નહીં, પરંતુ એક પ્રેમી દ્વારા તરછોડાયેલી યુવતીના બદલો લેવાની ભાવનાને કારણે આખું આતંકી કાવતરું ખુલ્લું પડ્યું છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીર પોલીસે એક મોટા ’વ્હાઈટ કોલર’ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. જેમાં શ્રીનગરના મૌલવી અને ઉચ્ચ શિક્ષિત ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે. તપાસના રેલો કાશ્મીરથી નીકળીને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સુધી પહોંચ્યો હતો, જ્યાં ફરીદાબાદમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ દરમિયાન દિલ્હીમાં વિસ્ફોટની ઘટના બની હતી અને NIAએ તપાસ હાથ ધરી હતી. પરંતુ આ સમગ્ર નેટવર્ક કેવી રીતે પકડાયું, તે અંગે સીએમ ઓમર અબ્દુલ્લાએ ચોંકાવનારી વિગતો જાહેર કરી છે.
ઓમર અબ્દુલ્લાના જણાવ્યા અનુસાર, આ કેસની શરૂૂઆત જૈશ-એ-મોહમ્મદના એક પોસ્ટરથી થઈ હતી. શ્રીનગરના અમુક વિસ્તારોમાં આતંકી સંગઠનના પોસ્ટરો લાગ્યા હતા અને પોલીસ આરોપીને શોધી રહી હતી. તે સમયે એક યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ યુવતીને તેના પ્રેમીએ દગો આપ્યો હતો અને તરછોડી દીધી હતી. પ્રેમમાં મળેલા દગાનો બદલો લેવા માટે તેણે પોલીસને કહ્યું, "તમે જેને શોધી રહ્યા છો, તેને હું ઓળખું છું. આ પોસ્ટર મારા બોયફ્રેન્ડે જ લગાવ્યા હતા." તેણે પોલીસને યુવકના ઠેકાણાની તમામ વિગતો આપી દીધી હતી.
યુવતીની બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે યુવકની ધરપકડ કરી લીધી. પોલીસની સઘન પૂછપરછમાં ભાંગી પડેલા યુવકે વટાણા વેરી નાખ્યા હતા. તેણે કબૂલ્યું હતું કે તે એકલો નથી, પરંતુ તેની સાથે એક મૌલવી પણ સામેલ છે. પોલીસે મૌલવીને દબોચી લીધો અને મૌલવીની પૂછપરછમાં ડોક્ટરોના નામ સામે આવ્યા. આમ, કડીઓ જોડાતી ગઈ અને પોલીસ ફરીદાબાદ સુધી પહોંચી, જ્યાં વિસ્ફોટકોનો જથ્થો મળ્યો. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, આ કાવતરું કોઈ ઈન્ટેલિજન્સ ઇનપુટથી નહીં પણ એક પ્રેમિકાના ગુસ્સાને કારણે પકડાયું છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાને સુરક્ષામાં ગંભીર ચૂક ગણાવી હતી. તેમણે કહ્યું કે, "એજન્સીઓને આ કાવતરા વિશે કોઈ પૂર્વ માહિતી નહોતી. મને પણ અખબારો વાંચીને દિલ્હી બ્લાસ્ટની ખબર પડી." તેમણે કેન્દ્રશાસિત પ્રદેશના મોડેલ પર કટાક્ષ કરતા કહ્યું કે અધિકારીઓને જમીની હકીકતની જાણ હોતી નથી અને લોકોમાં થતી ચર્ચાઓ પરથી આવી વિગતો બહાર આવે છે. 10 નવેમ્બરની ઘટનામાં 15 લોકોના મોત થયા હતા, જે દુ:ખદ છે.
‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી’
આતંકવાદની આ ઘટનાને સખત શબ્દોમાં વખોડતા ઓમર અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ ધર્મ નિર્દોષોની હત્યાને સમર્થન આપતો નથી. તેમણે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરનો દરેક નાગરિક આતંકવાદી નથી હોતો. મુઠ્ઠીભર લોકો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના કારણે આખા સમુદાયને શંકાની નજરે જોવો યોગ્ય નથી. જો આપણે દરેક કાશ્મીરી મુસ્લિમને આતંકવાદી માનવા લાગીશું, તો લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા મુશ્કેલ બની જશે."