ચારધામના નામ પર નહીં બની શકે ટ્રસ્ટ કે મંદિર: ઉત્તરાખંડ સરકાર
દિલ્હીમાં કેદરનાથધામથી મંદિર બનાવવાના વિવાદ બાદ ધામી સરકાર એકશનમાં
નવી દિલ્હીમાં કેદારનાથ ધામના નામ પર મંદિર બનાવવાને લઇને વિરોધ ચાલી રહ્યો છે. દિલ્હીથી લઇને કેદારનાથ સુધી વિરોધ થઇ રહ્યો છે. તેઓનું કહેવુ છે કે કેદારનાથ ધામ એક જ છે તેના જેવુ બીજુ કોઇ મંદિર ન હોઇ શકે. ત્યારે હવે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉત્તરાખંડ કેબિનેટે જાહેરાત કરી હતી કે સરકાર કડક કાયદો બનાવશે કે જેથી કરીને એ સુનિશ્ચિત થઇ શકે કે ઉત્તરાખંડમાં ચારધામ અને અન્ય પ્રમુખ મંદિરોના નામ પર કોઇ ટ્રસ્ટ, મંદિર અથવા સમિતિની રચના ન થાય.
દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ બનાવવાના શ્રી કેદારનાથ ધામ દિલ્હી ટ્રસ્ટ દ્વારા તાજેતરના વિવાદની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો શિલાન્યાસ મુખ્યમંત્રી ધામી કરશે. ત્યારથી ધામી સરકાર અને સત્તાધારી ભાજપને કેદારનાથ ધામના પૂજારીઓ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ તરફથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે દિલ્હી મંદિર નિર્માણ ટ્રસ્ટના વડા સુરિન્દર રૌતેલાએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર મંદિરના નિર્માણમાં સામેલ નથી. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હી કેદારનાથ મંદિરનું નામ બદલવામાં આવશે કારણ કે ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. દિલ્હી કેદારનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખે કહ્યું કે જો દિલ્હીમાં નિર્માણ થનારા મંદિરને કેદારનાથ મંદિરનું નામ આપીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે, તો ટ્રસ્ટ મંદિરનું નામ બદલી દેશે.
નવી દિલ્હીમાં કેદારનાથ ધામના નામ પર મંદિર બનાવવાના વિવાદ વચ્ચે ધામી કેબિનેટે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના નામનો દુરુપયોગ રોકવા માટે કડક કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે. જો કોઈ વ્યક્તિ આ પ્રખ્યાત અને પવિત્ર ધામો જેવા નામો સાથે મંદિર કે ધામ બનાવશે તો સરકાર કડક કાયદાકીય પગલાં લેશે. કેબિનેટે એન્ડોમેન્ટ્સ વિભાગને ઝડપથી પ્રસ્તાવ તૈયાર કરીને કેબિનેટ સમક્ષ રજૂ કરવા સૂચના આપી છે.