16મી સુધી વરસાદથી રાહત નહીં, 21 સ્થળોએ પૂરનો ખતરો
ઉત્તરાખંડ, હિમાચલ, મધ્ય પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 16 જુલાઈ સુધી વરસાદથી રાહતની કોઈ આશા નથી. આ ઉપરાંત, CWCએ વધુ એક ચિંતાજનક અહેવાલ જાહેર કર્યો છે. આ મુજબ, દેશમાં 21 સ્થળોએ પૂરનો ભય છે. ઉત્તર પ્રદેશ (યુપી), બિહાર, પશ્ચિમ બંગાળ ઉપરાંત, આસામ અને ઓડિશાની નદીઓ ઉભરાઈ રહી છે. ચાર સ્થળોએ પરિસ્થિતિ વધુ ગંભીર છે. હવામાનની સ્થિતિ અને પૂર અંગે જારી કરાયેલા ચેતવણીઓના અપડેટ્સ જાણો
દિલ્હી-એનસીઆરમાં મુશળધાર વરસાદ લોકો માટે સમસ્યા બની ગયો. ગુરુગ્રામમાં સૌથી ખરાબ સ્થિતિ હતી. દિલ્હીમાં ઓછામાં ઓછા 200 સ્થળોએ લોકો ટ્રાફિક જામ સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા. એનસીઆરમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં 11 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે 16 જુલાઈ સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે પણ દિલ્હી-એનસીઆરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે, કેન્દ્રીય જળ આયોગ (CWC)એ ગઇકાલે દેશભરમાં 21 નદી દેખરેખ સ્થળોએ પૂર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આમાંથી ચાર સ્થળોએ ગંભીર પૂરની સ્થિતિ છે. જોકે, અત્યાર સુધી કોઈ પણ નદીએ તેના ઉચ્ચતમ પૂર સ્તર (HFL)ને તોડ્યું નથી. આસામ અને બિહારમાં ચાર સ્થળોએ પાણીનું સ્તર ભયજનક સપાટીને વટાવી ગયું છે.
આસામના ગોલાઘાટ જિલ્લામાં ધનસિરી નદી અને બિહારમાં બાગમતી અને ગંડક નદીઓ મુખ્ય નદીઓમાંની એક છે જ્યાં પાણીનું સ્તર ગંભીર રહ્યું છે અને કાં તો વધી રહ્યું છે અથવા સ્થિર છે. 17 વધારાના સ્થળોએ સામાન્યથી ઉપર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં પાણીનું સ્તર ચેતવણી અને ભયજનક સપાટી વચ્ચે ફરતું રહે છે. આમાં આસામ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના નદી વિસ્તારોનો સમાવેશ થાય છે. આસામની પરિસ્થિતિ ચિંતાનો વિષય બની ગઈ છે, કારણ કે કચર, કરીમગંજ અને હૈલાકાંડી જિલ્લામાં અનુક્રમે બરાક, કુશિયારા અને કાટખલ નદીઓ વધી રહી છે.
આ દરમિયાન, બિહારના રૂૂનિસૈદપુરમાં બાગમતી નદી અને બાસુઆમાં કોસી નદીનું પાણીનું સ્તર પણ વધી રહ્યું છે. જો કે, તે હજુ પણ ભયના સ્તરથી નીચે છે. ઉત્તર પ્રદેશમાં, ફતેહગઢ, ગર્મુક્તેશ્વર અને કાચલા બ્રિજ સહિત અનેક ગંગા મોનિટરિંગ સેન્ટરોએ ચેતવણી સ્તરથી ઉપર અહેવાલ આપ્યો છે. એલ્ગિનબ્રિજમાં ઘાઘરા નદી અને ખડ્ડામાં ગંડક નદી પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્રએ પૂરથી પ્રભાવિત છ રાજ્યોને રૂ.1,000 કરોડની સહાય આપી
કેન્દ્ર સરકારે છ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો માટે રૂૂ. 1,066.80 કરોડની સહાયને મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઇકાલે જણાવ્યું હતું કે આ રકમ રાજ્ય આપત્તિ રાહત ભંડોળ (SDRF) માંથી કેન્દ્રીય હિસ્સા તરીકે આપવામાં આવી રહી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આમાંથી રૂૂ. 455.60 કરોડ ઉત્તરાખંડ, રૂૂ. 375.60 કરોડ આસામ, રૂૂ. 29.20 કરોડ મણિપુર, રૂૂ. 30.40 કરોડ મેઘાલય, રૂૂ. 22.80 કરોડ મિઝોરમ અને રૂૂ. 153.20 કરોડ કેરળને આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 14 રાજ્યોને SDRFમાંથી રૂા.6,166.00 કરોડ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી રૂા.1,988.91 કરોડ 12 રાજ્યોને પહેલાથી જ મુક્ત કર્યા છે.