મારું કોઇ સાંભળતું નથી; ભારતીય ઉદ્યોગ જગતથી ગોયેલ નારાજ
તમારે ખુલ્લા વિદેશી બજાર જોઇએ છે, પણ તમે ભારતનાં દરવાજા બંધ કરવા માગો છો: સ્થાનિક સપ્લાયર્સ પાસેથી ખરીદ કરવાની વાત કોઇ ધ્યાનમાં લેતું નથી: વાણિજય પ્રધાન
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ભારતીય ઉદ્યોગો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારતીય બજારમાં વિદેશી ઉત્પાદનો માટે મર્યાદિત ક્વોટાનો વિરોધ કરવાના ઉદ્યોગના વલણની ટીકા કરી હતી. ગોયલે કહ્યું કે ભારતીય ઉદ્યોગોનું આ વલણ નિરાશાજનક છે અને તેમને સંવેદનશીલ સ્થિતિમાં મૂકે છે.
તાજેતરના એક કાર્યક્રમમાં બોલતા ગોયલે કહ્યું, જ્યારે પણ અમે કોઈ વિદેશી ઉત્પાદનને નાનો ક્વોટા આપીએ છીએ, ત્યારે તમે બધા હંગામો કરો છો. હું ખૂબ જ નિરાશ છું. આ તમારી છબીને ખૂબ નુકસાન પહોંચાડે છે.
તમે વિદેશી બજારો ખોલવા માંગો છો, પરંતુ તમે ભારતીય બજાર ખોલવા માંગતા નથી. આ કામ કરશે નહીં.
ગોયલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત ઘણા દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA) પર વાટાઘાટો કરી રહ્યું છે. સરકાર માને છે કે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે ખુલ્લા બજાર નીતિ અપનાવવી જરૂૂરી છે. જોકે, ઘણા ભારતીય ઉદ્યોગો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) વિદેશી ઉત્પાદનોની આયાત પર છૂટ આપવાનો વિરોધ કરે છે, કારણ કે તે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન પહોંચાડી શકે છે.
દરમિયાન, વાણિજ્ય મંત્રીએ ફરિયાદ કરી હતી કે, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો રાષ્ટ્રવાદી ભાવનાઓ ધરાવે છે. અમારી તેમની સાથે મુક્ત વેપાર કરાર છે, પરંતુ તેમની કંપનીઓ ફક્ત સ્થાનિક સપ્લાયર્સ પાસેથી જ ખરીદી કરે છે. હું ભારતમાં પણ આ જ માંગણી કરું છું, પરંતુ કોઈ સાંભળતું નથી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતે ઘણા વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA) લાગુ કર્યા છે અને હાલમાં યુએસ, ઓમાન અને યુરોપિયન યુનિયન (EU) સાથે સમાન કરારો માટે સક્રિય વાટાઘાટો ચાલી રહી છે. ગોયલે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને યુરોપિયન મુક્ત વેપાર સંગઠન (EFTA) સાથે FTA લાગુ કર્યા છે. આ ઉપરાંત, યુકે સાથે પણ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારતીય અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ હાલમાં વોશિંગ્ટનમાં તેમના યુએસ સમકક્ષો સાથે વેપાર વાટાઘાટો કરી રહ્યું છે, જે 17 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, ટોચના ભારતીય અને યુએસ નેતાઓએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો શરૂૂ કરવા અને ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં તેના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. BTA પર વાટાઘાટોના પાંચ રાઉન્ડ અત્યાર સુધીમાં થયા છે.
છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, અને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા વધારાનો ટેરિફ પણ લાદ્યો છે. ભારતે આ ટેરિફને અયોગ્ય અને ગેરવાજબી ગણાવ્યા છે.
ભારતીય ઉદ્યોગોએ પણ ટ્રમ્પ વહીવટીતંત્રની H-1B વિઝા નીતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં થયેલી ટેલિફોન વાતચીત બાદ આ કરારના સકારાત્મક પરિણામની આશા વધી ગઈ છે.
દુકાનદારી હી કરના હૈ?? ગોયેલ અગાઉ સ્ટાર્ટ-અપ્સ પર બગડયા હતા
થોડા મહીનાઓ અગાઉ પણ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની આકરી ટીકા કરતા, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે જ્યારે દેશમાં ઘણા સ્ટાર્ટઅપ્સ ફૂડ ડિલિવરી અને સટ્ટાબાજી અને ફેન્ટસી સ્પોર્ટ્સ એપ્સ પર વધુ પડતા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે ચીનમાં તે ઊટ, બેટરી ટેક, સેમિક્ધડક્ટર અને એઆઈ પર કામ કરી રહ્યા હતા. ગુરુવારે સ્ટાર્ટઅપ મહાકુંભમાં બોલતા, ગોયલે પ્રશ્ન કર્યો કે શું દેશ ટેકનોલોજીકલ પ્રગતિ માટે પ્રયત્ન કરવાને બદલે ઓછા પગારવાળી નોકરીઓથી સંતુષ્ટ છે. શું આપણે આઈસ્ક્રીમ બનાવવી પડશે કે ચિપ્સ? દુકાનદારી હી કરના હૈ (શું આપણે ફક્ત વસ્તુઓ વેચવા માંગીએ છીએ).