ચેક બાઉન્સ કેસમાં આરોપી ફરિયાદી સાથે સમાધાન કરે તો જેલ સજા નહીં
કાયદાનો હેતુ સજા આપવાનો નહીં પણ વિવાદનો ઉકેલ લાવવાનો છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં એક મોટો અને રાહત આપતો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ચેક બાઉન્સના કેસમાં દોષિત ઠરે, પરંતુ તે ફરિયાદી સાથે સમાધાન કરી લે, તો તેને જેલની સજામાંથી મુક્તિ મળી શકે છે. આ નિર્ણયથી નાના-મોટા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સ્પષ્ટતા કરી કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (ગઈં અભિ)ંની કલમ 138 હેઠળનો ચેક બાઉન્સનો ગુનો મુખ્યત્વે દીવાની (Civil) સ્વરૂૂપનો છે, જેને ખાસ કારણોસર ફોજદારી કેસ બનાવવામાં આવ્યો છે.
કોર્ટે જણાવ્યું કે જ્યારે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જાય અને એક લેખિત સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે, ત્યારે દોષિતને આપવામાં આવેલી સજાને કાયમ રાખી શકાય નહીં. જો ફરિયાદી પોતે સ્વીકારી લે કે તેને બાકી રકમની ચૂકવણી મળી ગઈ છે, તો કલમ 138 હેઠળની કાર્યવાહીને આગળ વધારી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ એક વ્યક્તિગત વિવાદ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે તેને ફોજદારી ગુનાની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણય દર્શાવે છે કે કાયદાનો ઉદ્દેશ્ય સજા આપવાનો નથી, પરંતુ પક્ષકારો વચ્ચેના વિવાદનું નિવારણ લાવવાનો છે.
આ ચુકાદો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એક અગાઉના નિર્ણયના વિરુદ્ધમાં છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બંને પક્ષો વચ્ચે સમાધાન થયા પછી પણ સજા રદ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું છે કે સમાધાન બાદ જેલની સજા જાળવી રાખવી યોગ્ય નથી.