બજેટથી કોઇ અપેક્ષા નથી, મોંઘવારીથી લોકો ત્રસ્ત: સરવે
શનિવારે રજૂ થનારા બજેટ વિષે સી-વોટરના સરર્વેમાં લોકોએ કહ્યું, મોદીરાજમાં મોંઘવારીએ માઝા મુકી
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. બજેટ પૂર્વે યોજાયેલા સર્વેમાં પ્રજાને સરકાર પાસેથી કોઈ ખાસ અપેક્ષા ન હોવાનું જાણવા મળ્યું છે. બજેટ 2025-26માં કોઈ ખાસ સુધારા ન થવાનો અંદાજ પણ વ્યક્ત થયો છે. સી-વોટરના સર્વેમાં મોટાભાગના લોકોએ જણાવ્યું કે, મોંઘવારીના કારણે ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે. અને વર્તમાન સરકાર પાસે આ સ્થિતિમાં કોઈ ખાસ સુધારાની અપેક્ષા પણ નથી.સી-વોટરે પ્રિ-બજેટ સર્વેમાં દેશભરના જુદા-જુદા ભાગમાંથી 5269 લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં 2/3 લોકોએ જણાવ્યું કે, મોંઘવારી પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી. વડાપ્રધાન મોદીના રાજમાં મોંઘવારી સતત વધી રહી છે. જ્યારે 50 ટકા લોકોએ કહ્યું કે, વધતી મોંઘવારીના કારણે જીવન ધોરણ પર પ્રતિકૂળ અસર થઈ છે. તેના લીધે ઉચ્ચ કક્ષાનું જીવન ધોરણ જીવવુ મુશ્કેલ બન્યું છે.
આ સર્વેમાં 50 ટકા લોકોએ પરિસ્થિતિમાં કોઈ ખાસ બદલાવ ન થવાનો અંદાજ આપ્યો છે. તેમના મતે, આવક જેટલી છે તેટલી જ રહેશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ગત વર્ષે ખર્ચ સતત વધ્યો છે. વધતો ખર્ચ સામાન્ય લોકો માટે મેનેજ કરવો મુશ્કેલ બન્યો છે. 37 ટકા લોકોએ આ વર્ષે પણ આ સ્થિતિમાં કોઈ ખાસ ફેરફારની અપેક્ષા ન હોવાનું જણાવ્યું છે. તદુપરાંત આગામી વર્ષ આવક અને ખર્ચના ધોરણે વધુ ખરાબ હોવાની ભીતિ પણ વ્યક્ત કરી છે.
ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. પરંતુ નાણાકીય વર્ષમાં તેનો ગ્રોથ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો રહેવાનો અંદાજ છે. આ સપ્તાહના અંતે રજૂ થનારા બજેટમાં મોદી સરકાર જીડીપી ગ્રોથ જાળવી રાખવા માટે અમુક ખાસ પગલાં લઈ શકે છે. સાથે આવકમાં વધારો અને મોંઘવારી પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી સકે છે. ઉલ્લેખનીય છે, ભારતમાં હાલ બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. સરકારે નવા રોજગાર સર્જન માટે પણ અમુક ખાસ ઉપાયો રજૂ કરવા જોઈએ.
કાલથી સંસદનું બજેટસત્ર: શનિવારે બજેટ રજૂ થશે
સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. સત્રની શરૂઆત બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિના સંબોધન સાથે સત્રની શરૂૂઆત થશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ પૂરો થશે અને બીજો તબક્કો 10 માર્ચથી ચાલુ રહેશે. સત્ર 4 એપ્રિલે સમાપ્ત થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક મળી હતી. સરકારે સત્ર દરમિયાન વિપક્ષના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી અને ગૃહને શાંતિપુર્વક ચાલવા દેવા સાંસદોને વિનંતી કરી હતી. બેઠકમાં ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, ગૌરવ ગોગોઈ અને કોંગ્રેસના જયરામ રમેશ, ડીએમકેના ટી આર બાલુ, સુદીપ બંધ્યોપાધ્યાય અને ટીએમસીના ડેરેક ઓ બ્રાયન સહિત ઘણા નેતાઓ બેઠકમાં ભાગ લીધો હતો.