આજે 10મી વખત નીતીશ કુમાર લેશે બિહારના CM તરીકે શપથ, PM મોદી હાજરી આપશે
બિહાર ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાનો સમય આવી ગયો છે. નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નીતિશ કુમારની સરકારમાં ભાજપના ક્વોટામાંથી બે નાયબ મુખ્યમંત્રી હશે. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા ફરીથી નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. 74 વર્ષીય નેતા નીતીશ કુમારને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન શપથ લેવડાવશે.
શપથ સમારોહમાં કુલ 18 મંત્રીઓ શપથ લે તેવી અપેક્ષા છે. જેમાં મુખ્યમંત્રી, જેડીયુના સાત, ભાજપના આઠ અને એલજેપી (આર), આરએલએસપી અને એચએએમના એક-એક મંત્રીનો સમાવેશ થાય છે..
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. ગાંધી મેદાનની સુરક્ષા SPGના હાથમાં છે.