'નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે...' JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગી
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 243 બેઠકો માટેના વલણો NDA માટે ક્લીન સ્વીપ સૂચવે છે. NDA 201 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 36 બેઠકો પર આગળ છે.નીતિશ કુમાર સરકાર સત્તામાં પાછી આવે તેવી શક્યતા છે અને નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ દરમિયાન, JDU સોશિયલ મીડિયા પર નીતિશ કુમારના મુખ્યમંત્રી બનવા વિશે પોસ્ટ કરી, પરંતુ થોડા સમય પછી ડીલીટ કરી નાખી છે.
JDUના X હેન્ડલ પર નીતિશ કુમારનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં કેપ્શન હતું, "ના ભૂતો ના ભવિષ્યતિ... નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે." અગાઉ, એક સમર્થકે પટણામાં પાર્ટીના મુખ્યાલયની સામે એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં લખ્યું હતું, "ટાઈગર અભી ઝીંદા હૈ"
વિધાનસભા ચૂંટણી પહેલા, અફવાઓ ફેલાઈ રહી હતી કે નીતિશ કુમાર બીમાર છે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. જો કે, મતદાન પૂર્ણ થયા પછી તેમના સક્રિય દેખાવથી NDA છાવણીમાં એક અલગ સંદેશ ગયો છે, જે સૂચવે છે કે નીતિશ કુમાર હવે ફરીથી મુખ્યમંત્રી બનવાના માર્ગે છે.