અમેરિકા સાથે તણાવના પગલે નિર્મલા IMFની બેઠકમાં હાજર નહીં રહે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આ અઠવાડિયે વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (ઈંખઋ) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકોમાં હાજરી આપશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયા પાસેથી વેપાર અને તેલ ખરીદીને લઈને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ હવે નાણા મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ અનુરાધા ઠાકુર કરશે. તેમની સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા અને મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન પણ હાજર રહેશે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીય માલ પર 50% સુધીના ટેરિફ લગાવવામાં આવ્યા છે, જેમાં રશિયા પાસેથી તેલ ખરીદી માટે વધારાના 25% દંડનો સમાવેશ થાય છે, તેને ધ્યાનમાં રાખીને સીતારમણની ગેરહાજરી નોંધપાત્ર છે.
ભારતીય પ્રતિનિધિમંડળ આ સમયગાળા દરમિયાન BRICS, G-20 અને G-24 જૂથોની બેઠકોમાં ભાગ લેશે. આ બધા મંચો વૈશ્વિક અર્થતંત્ર અને વિકાસશીલ દેશોની નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત IMFના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં પણ ભાગ લેશે, જે સંસ્થાની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે.