For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિરજનો સિલ્વર થ્રો, એથ્લેટિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા

11:18 AM Aug 09, 2024 IST | Bhumika
નિરજનો સિલ્વર થ્રો  એથ્લેટિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
Advertisement

ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ચોથા ભારતીય ખેલાડી બન્યા

ભારતના સ્ટાર ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સીઝનમાં નીરજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સાથે નીરજ આઝાદી બાદ એથ્લેટિક્સમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના તેના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ તે પેરિસમાં તેના ટોક્યો પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો ન હતો.

Advertisement

પાકિસ્તાનના નદીમે બીજા પ્રયાસમાં 92.97 મીટર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1992 બાર્સેલોના ઓલિમ્પિક બાદ પાકિસ્તાનનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ 88.54 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.

પાકિસ્તાનના અરશદ નદીમે પ્રથમ પ્રયાસમાં જ ફાઉલથી શરૂઆત કરી હતી. નીરજને શરૂૂઆતથી જ નદીમ પાસેથી સખત પડકારની અપેક્ષા હતી.

આ સાથે જ જુલિયન વેબરે પણ પ્રથમ પ્રયાસમાં જ ફાઉલ કર્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરાએ પણ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં ફાઉલથી શરૂઆત કરી હતી. ભાલો ફેંક્યા પછી નીરજ પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને લાઇનને સ્પર્શ કર્યો જેના કારણે તેના પ્રયાસને ફાઉલ જાહેર કરવામાં આવ્યો.

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 89.45 મીટર થ્રો કર્યો અને અરશદ નદીમ પછી બીજા ક્રમે આવ્યો. નીરજની કારકિર્દીનો આ બીજો અને આ સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે ત્રીજા પ્રયાસમાં 88.72 મીટરનો થ્રો કર્યો હતો અને તે પ્રથમ ત્રણ પ્રયાસો બાદ પણ ટોચ પર રહ્યો હતો. ત્રીજા પ્રયાસમાં પણ નીરજ ચોપરાએ ફાઉલ કર્યો હતો. આ પછી નીરજે આગળના ત્રણ પ્રયાસોમાં ફાઉલ કર્યો. નીરજ ફાઇનલમાં માત્ર એક જ સફળ પ્રયાસ કરી શક્યો હતો.

નીરજ ચોપરા ભલે ગોલ્ડ મેડલ જીતી ના શક્યો હોય પરંતુ તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજ પહેલા માત્ર કુસ્તીબાજ સુશીલ કુમાર, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને શૂટર મનુ ભાકર આ સિદ્ધિ મેળવી શક્યા હતા. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઓલિમ્પિકમાં 66 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો 2020માં મહિલા સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં જ વ્યક્તિગત અને મિશ્ર સ્પર્ધાઓમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement