બેંગ્લુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ અંગે NIAની મોટી જાહેરાત: આરોપીનું સરનામું આપનારને 10 લાખનું ઇનામ, તસવીર પણ બહાર પાડી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ બેંગ્લુરુના રામેશ્વરમ કાફેમાં આઈઈડી બોમ્બ મૂકનાર વ્યક્તિની જાણકારી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં કેન્દ્રીય તપાસ એજન્સીએ આરોપીનો ફોટો પણ જાહેર કર્યો છે. આ ફોટામાં આરોપી બેગ પકડીને કેપ પહેરેલો જોવા મળે છે.NIAએ રામેશ્વરમ કાફેમાં બોમ્બ મૂકનાર વ્યક્તિ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. NIAએ કહ્યું કે ઓળખ આપનાર વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
NIA announces cash reward of 10 lakh rupees for information about bomber in Rameshwaram Cafe blast case of Bengaluru. Informants identity will be kept confidential. pic.twitter.com/F4kYophJFt
— NIA India (@NIA_India) March 6, 2024
1 માર્ચના રોજ બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 10 લોકોના ઘાયલ થયા હતા. NIA આ મામલે તપાસ કરી રહી છે. આ પહેલા કેફેમાં થયેલા બ્લાસ્ટના ફૂટેજ સામે આવ્યા હતા. તે જોઈ શકાય છે કે એક વ્યક્તિએ રવા ઈડલીનો ઓર્ડર આપ્યો હતો. આ પછી તેણે પોતાની બેગ કાઉન્ટર પાસે રાખી અને ઓર્ડર લીધા વગર જ નીકળી ગયો. કાફેની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજમાં આ વ્યક્તિ ઝડપથી દોડતો જોવા મળ્યો હતો. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે વ્યક્તિ કેપ પહેરે છે અને તેના હાથમાં બેગ છે. તેણે માસ્ક અને ચશ્મા પહેર્યા હતા.
આ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ જાહેર થયા છતાં સુરક્ષા એજન્સીઓ હજુ પણ આરોપી સુધી પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં NIAએ હવે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. કર્ણાટક પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. NIA આ કેસમાં આતંકી એંગલની તપાસ કરી રહી છે.આ કેસમાં આરોપીની શોધખોળ ચાલુ છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. NIA અને કર્ણાટક પોલીસ બંને આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NIA તપાસના આદેશ આપ્યા હતા. ત્યારપછી NIAએ આ મામલે તપાસ શરૂ કરી છે.