કાર પલટી જતા IAS અધિકારી અને તેના બે ભાઇઓના મોત
કર્ણાટકના કલબુર્ગીમાં કાર અકસ્માતમાં એક IAS અધિકારી અને તેના બે ભાઈઓના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2012ની બેચના IAS અધિકારી 51 વર્ષીય મહંતશ બિલાગી સામેલ છે, જે કર્ણાટક રાજ્ય ખનિજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા.
મળતી માહિતી મુજબ, આ માર્ગ અકસ્માત મંગળવારે (25 નવેમ્બર) જેવાર્ગી તાલુકાના ગૌનાલ્લી ક્રોસ પાસે થયો હતો. જેવાર્ગી બાઇપાસ પાસે તેમની ઇનોવા કાર પલટી ગઈ હતી. મહંતશ અને તેમના 55 વર્ષીય ભાઈ શંકર બિલાગી અને 53 વર્ષીય ભાઈ ઈરન્ના બિલાગી વિજયપુરાથી કલબુર્ગી જઈ રહ્યા હતા.
શંકર બિલાગી અને ઈરન્ના બિલાગીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મહતંશને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા પરંતુ, તેમનો જીવ બચાવી શકાયો નહીં. અને કાર ચાલક સામાન્ય ઈજા સાથે બચી ગયો છે.
બેલગાવી જિલ્લાના રામદુર્ગના રહેવાસી મહંતશે ઉડ્ડપી, દાવણગેરે અને ચિત્રદુર્ગમાં વિવિધ પદો પર કામ કર્યું છે. કર્ણાટક રાજ્ય ખનીજ નિગમના એમડીનું પદ સંભાળ્યા પહેલાં તેઓ બેસ્કોમના મેનેજિંગ ડિરેક્ટર પણ હતા.