બિહારમાં NDAનો છપ્પરફાડ વિજય
ભાજપ 90થી વધુ બેઠકો સાથે મોટાભાઇના રોલમાં, એનડીએ 200 બેઠકોને પાર: આર.જે.ડી.નો વોટ શેર સૌથી વધુ છતાં માત્ર 23 બેઠકો જ મળી, કોંગ્રેસ માત્ર 3 બેઠકોમાં સમેટાઇ ગઇ
પ્રશાંત કિશોરની જનસૂરજ પાર્ટીનો સૂરજ ઉગે તે પહેલાં જ આથમી ગયો, ઓવૈસી 6 બેઠકો ખેંચી ગયા
બિહારની વિધાનસભાની 243 બેઠકોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થતા એન.ડી.એ.નું રોડ રોલર ફરી વળ્યુ હોય તેમ 243 માંથી 204 જેટલી બેઠકો ઉપર એન.ડી.એ. નો વિજય થયો છે જયારે તેજસ્વી યાદવની પાર્ટી આર.જે.ડી. 25 બેઠકોમાં સમેટાઇ ગઇ છે તો કોંગ્રેસ 61 બેઠક ઉપર ચૂંટણી લડી હતી તેમાંથી માંડ બે બેઠકો મળતા બિહારમા નવી જ રાજનીતિનો ઉદય થયો છે.
દેશભરમા દુરોગામી અસર કરનારી આ ચૂંટણીમાં ભાજપ નાના ભાઇમાંથી મોટા ભાઇના રોલમાં આવી ગયો છે અને 101 બેઠકો ઉપર ચૂંટણી લડેલ તેમાંથી 95 બેઠકો જીતી છે જયારે અત્યાર સુધી મોટા ભાઇના રોલમાં રહેલા નીતિશ કુમારની જે.ડી.યુ. નો 82 બેઠકો ઉપર વિજ થતા નીતિશની પાર્ટી બીજા નંબરે રહી છે. મોદીના હનુમાન ચિરાગ પાસવાનની પાર્ટી એલ.જે.પી. પણ સુપર-ડૂપર રહી છે અને 27 બેઠક લડેલ તેમાંથી 20 બેઠકો જીતી છે તો એનડીએનાં અન્ય સાથી પક્ષોને 9 બેઠકો મળી છે.
સામા પક્ષે મહાગઠબંધનના મુખ્ય પક્ષ આર.જે.ડી.ને 25 બેઠકો મળી છે તો કોંગ્રેસનો ઇતિહાસનો સૌથી ખરાબ દેખાવ રહ્યો છે અને માત્ર બે બેઠક મળી છે તો રાજકીય સ્ટેટેજીકાર પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું ખાતુ પણ ખુલ્યુ નથી. સૌના આશ્ર્ચર્ય વચ્ચે અસદુદીન ઓવેસીની પાર્ટી 6 બેઠક લઇ ગઇ છે તો બસપા અને સીપીઆઇ એમને એક એક બેઠક મળી છે. એકાદ બેઠક અપક્ષના ફાળે જઇ રહી છે.
ગત ચુંટણી કરતા એન.ડી.એ.ને 85 બેઠકોનો ફાયદો થયો છે તો મહાગઠબંધનને 85 બેઠકો ઘટી ગઇ છે.
આ ચૂંટણીમાં આશ્ર્ચર્યજનક બાબત એ ધ્યાને આવી છે કે , તેજસ્વી યાદવની પાર્ટી આર.જે.ડી. ને સૌથી વધુ 22.68 ટકા મત મળ્યા છે પરંતુ બેઠકો માત્ર 25 મળી છે જયારે ભાજપનો વોટ શેર 20.86 ટકા હોવા છતા 95 બેઠકો મળી છે . નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ) ને 18.94 ટકા મત મળ્યા છતા તેની બેઠકો 80 થી વધુ રહી છે. કોંગ્રેસને માત્ર 8.54 ટકા મત મળ્યા છે.
મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ ખુદ 5000 મતે પાછળ છે અને હારી જાયે તેવી સ્થિતિ છે જયારે તેજ પ્રતાપ યાદવ આરામથી ચૂંટણી હારી ગયા છે.
કોંગ્રેસ અને આર.જે.ડી. ના અનેક દિગજજોને મતદારોએ ઘેર બેસાડી દીધા છે તો અનેક બેઠકો ઉપર નવા ઉમેદવારો ચૂંટાયા છે અને નવી નેતાગીરીનો ઉદય થયો છે. આ ચૂંટણી બિહારની રાજનીતિની દિશા જ બદલાઇ ગઇ હોય તેવા પરિણામો આવ્યા છે.
સાત રાજયોની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને બે-બે બેઠકો અને અન્યને ફાળે 6 બેઠક
બિહારની વિધાનસભાની ચુંટણી સાથે સાથે રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તેલંગાણા, મિઝોરમ અને જમ્મુ કાશ્મીરની વિધાનસભાની બેઠકોની પેટાચુંટણીના પરિણામ પણ જાહેર કરવામા આવી રહયા છે. આ બેઠકોમા રાજસ્થાનની અંતા, ઝારખંડની ઘાટશિલા, પંજાબની તરનતારન, તેલંગાણાની જયુબિલી હિલ્સ, મિઝોરમની ડંપા, ઓડીસ્સા નુઆપાડા અને જમ્મુ કાશ્મીરની બડગામ તથા નગરોટા બેઠકનો સમાવેશ થાય છે. રાજસ્થાનમા કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન તો તેલગણાંમાં કોંગ્રેસના ઉમેદવાર નવિન યાદવ તથા ઓડીસામાં ભાજપના ઉમેદવાર જય ધોળકીયા અને કાશ્મીરમાં ભાજપની ઉમેદવાર દેવ્યાની રાણા તથા ઝારખંડમાં જેએમએમના સોમેસ સોરેનનો વિજય થયો છે.
નીતિશકુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે
જનતા દળ યુનાઇટેડના પ્રમુખ નેતા નિતિશકુમારે ચુંટણીમા ફરી પોતાનુ વર્ચસ્વ સાબિત કર્યુ છે. આ ચુંટણીમા ભવ્ય વિજય થતા તેઓ ફરી સતારૂઢ થશે. અગાઉ નિતિશકુમાર વર્ષ 2000મા પહેલી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ બીજી ટર્મમા 2005 થી 2010 દરમ્યાન મુખ્યમંત્રી બન્યા હતા. તેની ત્રીજી ટર્મ 2010 થી 2014 સુધીની રહી હતી. તેમણે 2014ની લોકસભા ચુંટણીમા કંગાળ પરિણામ આવતા રાજીનામુ આપી દીધુ હતુ અને જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા હતા. ફરી 2015 મા તેમની ચોથી ટર્મ ચાલુ રહી હતી. પરંતુ આ કાર્યકાળ સૌથી ટુંકો રહયો હતો. તેઓ 2015 ની વિધાનસભા ચુંટણી સુધી જ મુખ્યમંત્રીનો કાર્યભાળ સંભાળ્યો હતો. પાંચમી ટર્મમા તેઓ 2015 થી 2017 અને છઠ્ઠી ટર્મમા 2017 થી 2020, સાતમી ટર્મમા 2020 થી 2022 અને આઠમી ટર્મમા 2022 થી 2024 સુધી શાસન સંભાળ્યુ હતુ. 28 જાન્યુઆરી 2024 થી તેમની નવમી ટર્મ ચાલી રહી છે.
