45 લાખનો ઇનામી નક્સલ નેતા ઠાર
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે. ઇન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારમાં શુક્રવારે થયેલા એન્કાઉન્ટરમાં ટોચનો નક્સલવાદી નેતા ભાસ્કર, જેના પર કુલ ₹45 લાખનું ઇનામ હતું, તેને ઠાર કરવામાં આવ્યો છે. આ ઘટના ગુરુવારથી ચાલી રહેલા વિશાળ નક્સલ વિરોધી ઓપરેશનનો એક ભાગ છે, જેમાં રાજ્ય પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને CRPFની વિશેષ યુનિટ કોબ્રાના જવાનો સામેલ છે.
બસ્તર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુંદરરાજ પી. એ જણાવ્યું હતું કે, ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી એક નક્સલવાદીનો મૃતદેહ, એકAK-47 રાઇફલ, અન્ય વિસ્ફોટકો, હથિયારો અને દારૂૂગોળો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતદેહ માઈલારપુ અડેલ્લુ ઉર્ફે ભાસ્કરનો હોવાનું જાણવા મળ્યું છે, જે પ્રતિબંધિત માઓવાદીઓના તેલંગાણા સ્ટેટ કમિટી (TSC) નો સ્પેશિયલ ઝોનલ કમિટી (SZC) સભ્ય હતો.
આઈજીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાસ્કર તેલંગાણાના આદિલાબાદ જિલ્લાનો રહેવાસી હતો અને માઓવાદીઓની ઝજઈ ના મંચેરિયલ-કોમારામ્ભીમ (MKB) વિભાગનો સચિવ હતો. તેના પર છત્તીસગઢમાં ₹25 લાખ અને તેલંગાણામાં ₹20 લાખનું ઇનામ હતું, આમ કુલ ₹45 લાખનું ઇનામ જાહેર કરાયું હતું.