લોકસભામાં સાંસદોની સીટ આગળ નેમ પ્લેટ
18મી લોકસભામાં સભ્યોની બેઠકો ફાળવવામાં આવી છે. પરંપરા મુજબ, સીટ નંબર 1 એ ગૃહના નેતાને ફાળવવામાં આવી છે જે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેવી જ રીતે બાકીના સભ્યોની બેઠકો પણ ફાળવવામાં આવી છે. બેઠકોની ફાળવણી ગૃહમાં પક્ષના સભ્યપદ અને સભ્યોની વરિષ્ઠતાના આધારે કરવામાં આવે છે.
આ વખતે બેઠકોની ફાળવણીમાં નવી પહેલ કરવામાં આવી છે. આ વખતે બેઠકોની આગળ સભ્યોના નામ પણ લખવામાં આવશે. એટલું જ નહીં તમામ સાંસદોને આપવામાં આવેલ ડિવિઝન નંબર પણ નામ સાથે લખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાંસદોની નેમ પ્લેટ લગાવવાનું કામ શરૂૂ કરી દેવામાં આવ્યું છે. દરેક સભ્યનું નામ પોતાની સીટની આગળ લખવાનો ફાયદો એ થશે કે તેને સરળતાથી ઓળખી શકાશે અને દરેક સાંસદ પોતાની સીટ પર બેસીને પોતાના વિચારો વ્યક્ત કરી શકશે.
વાસ્તવમાં, સાંસદ બન્યા પછી, દરેક સાંસદને એક વિભાગ નંબર આપવામાં આવે છે અને જ્યારે લોકસભામાં તેની બેઠક ફાળવવામાં આવે છે, ત્યારે તે બેઠક સાંસદના વિભાગ નંબર દ્વારા ઓળખાય છે. જો કે, આ માહિતી જાહેર કરવામાં આવી નથી. જ્યારે ગૃહમાં કોઈપણ મુદ્દા પર મતદાન કરવામાં આવે છે, ત્યારે દરેક સાંસદ તેના વિભાગ નંબર સાથે પોતાનો મત નોંધાવે છે, જે આપણે ઘણીવાર ગૃહમાં સ્થાપિત ઈલેક્ટ્રોનિક બોર્ડ પર જોઈએ છીએ.