મૈસુર પાક મૈસુરશ્રી, ગુંદ પાક બન્યો ગુંદશ્રી: જયપુરના વેપારીઓની પાક સામે મીઠી સ્ટ્રાઇક
રાજસ્થાનના જયપુરમાં મીઠાઈના વેપારીઓએ દેશમાં પાકિસ્તાન વિરોધી આક્રોશને ધ્યાનમાં રાખીને મીઠાઈના નામમાંથી પપાકથ શબ્દ હટાવ્યો છે. જેમાં તેમણે જયપુરની લોકપ્રિય મીઠાઈ મૈસૂર પાકનું નામ મૈસૂર શ્રી અને મોતી પાક મીઠાઈનું નામ મોતી શ્રી કર્યું છે. જયપુરમાં સૌથી વધુ લોકપ્રિય ત્રણ મુખ્ય દુકાનોએ પોતાની પારંપરિક મીઠાઈના નામ બદલીને સંપૂર્ણપણે ‘પાક’ શબ્દ હટાવીને તેની જગ્યાએ ‘શ્રી’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હવે આમ પાકને આમ શ્રી, ગોંદ પાકની જગ્યાએ ગોંદ શ્રી કરી દેવામાં આવ્યું છે.
પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની લશ્કરી કાર્યવાહીને પગલે દેશભક્તિની ભાવના દર્શાવવા માટે સ્વર્ણ ભસ્મ પાક અને ચંડી ભસ્મ પાકના નામ હવે સ્વર્ણ શ્રી અને ચંડી શ્રી રાખવામાં આવ્યા છે. જયપુરના વૈશાલીનગર વિસ્તારમાં પ્રખ્યાત મીઠાઈની દુકાન ત્યોહર સ્વીટ્સના માલિક અંજલી જૈને કહ્યું કે, રાષ્ટ્રીય ગૌરવ તેમની વાનગીઓમાં પણ પ્રતિબિંબિત થવું જોઈએ. દેશભક્તિની ભાવના ફક્ત સરહદ પર જ નહીં, પરંતુ દરેક ભારતીયના ઘર અને હૃદયમાં પણ હોવી જોઈએ. આ નિર્ણય ફક્ત શબ્દોનો નથી પરંતુ લાગણીઓનો વિષય છે. ગ્રાહકો પણ આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે અને બદલાયેલ નામ જોઈને ખુશ છે.
શહેરની દાયકાઓ જૂની દુકાનો બોમ્બે મિષ્ટાન ભંડાર અને અગ્રવાલ કેટરર્સ પણ મીઠાઈના નામ બદલવાની આ ઝુંબેશમાં જોડાઈ છે. જેમાં પોતાની મીઠાઈઓના નામમાં પાક શબ્દ સાથે જોડાયેલી તમામ મીઠાઈના નામ બદલી નાખ્યા છે. બોમ્બે મિષ્ટાન ભંડારના જનરલ મેનેજર વિનીત ત્રિખાએ જણાવ્યું હતું કે, આ આપણો મીઠો, પ્રતીકાત્મક બદલો છે. મીઠાઈઓના નામમાં ફેરફાર ગ્રાહકો દ્વારા પ્રશંસા પામ્યો છે.
ઉદ્યોગપતિ રમેશ ભાટિયા અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાના નામ પરથી મીઠાઈઓનું નામ બદલવાનો નિર્ણય દેશભક્તિનું પ્રતીક લાગે છે. તેમણે કહ્યું કે, મીઠાઈઓના નામ બદલવાની વાત નાની લાગે છે, પરંતુ તે એક શક્તિશાળી સાંસ્કૃતિક પ્રતિભાવ છે. તે દર્શાવે છે કે નાગરિકો પણ આપણા સશસ્ત્ર દળો સાથે એકતાથી ઉભા છે. યુદ્ધના મેદાનથી લઈને મીઠાઈની દુકાન સુધી, સંદેશ સ્પષ્ટ છે કે ભારત ન તો ભૂલશે કે ન તો માફ કરશે.