સરકારની ચોખવટ પછી મુસ્લિમો કે અન્યોએ સીએએનો વિરોધ ન કરવો જોઇએ
કેન્દ્ર સરકારે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (ઈઅઅ) અંગે જાહેરનામું બહાર પાડીને તેના અમલના નિયમો જાહેર કર્યા એ સાથે જ સોશિયલ મીડિયા પર પાછો કુપ્રચાર શરૂૂ થઈ ગયો છે. સીએએના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમો એટલે કે હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મનાં લોકોને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. ધર્મના આધારે નાગરીકતા બીજા દેશોમાં અપાતી નથી એ આખરે સૈધ્ધાંતીક વિરોધ થઇ રહ્યો છે.
ઉપરાંત સોશિયલ મીડિયા પર એવો કુપ્રચાર પાછો શરૂૂ થઈ ગયો છે કે, સીએએના કારણે ભારતના મુસ્લિમોની નાગરિકતા છિનવી લેવામાં આવશે. આ કાયદો ભારતના મુસ્લિમોને પરેશાન કરવા બનાવવામાં આવ્યો છે.આ કુપ્રચારના કારણે કેટલાક મુસ્લિમોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, સીએએ મુસ્લિમોની વિરૂૂદ્ધ છે એવો મુસ્લિમ સમાજમાં પ્રચાર કરાઈ રહ્યો છે. આ કુપ્રચારને રોકવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી કે, સીએએના કારણે 18 કરોડ ભારતીય મુસ્લિમોએ કોઈપણ સંજોગોમાં ડરવાની જરૂૂર નથી. સીએએના કારણે ભારતીય મુસ્લિમોની નાગરિકતા અને બીજા અધિકારો પર કે મુસ્લિમ સમુદાય પર કોઈ અસર નહીં થાય. ભારતીય મુસ્લિમોને ભારતમાં રહેતા હિંદુઓ સહિતના બીજા ધર્મનાં લોકોને જે અધિકારો મળેલા છે અને આ અધિકારોનો બીજાં ધર્મનાં લોકોની જેમ જ મુસ્લિમો પણ છૂટથી ઉપયોગ કરી શકે છે, તેમના પર કોઈ પાબંદી આવી જ નથી.
મુસ્લિમોએ એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂૂર છે કે, આ દેશના બંધારણે આ દેશના તમામ નાગરિકોના અધિકારો જળવાય એ માટે નક્કર જોગવાઈઓ કરી જ છે. આ જોગવાઈઓને કોઈ બદલી ના શકે. અનંત કુમાર હેગડે જેવા લોકો ભાજપ સરકાર બંધારણ બદલી નાખશે એવો બકવાસ ભલે કરે પણ ભાજપ એવું નથી જ કરવાનો. આ દેશનાં બીજાં લોકોની જેમ મુસ્લિમો પણ બંધારણના સુરક્ષા કવચથી સુરક્ષિત જ છે તેથી મુસ્લિમોની નાગરિકતા છિનવી લેવાશે કે તેમને સાવ નોંધારા કરી દેવાશે એ વાત નર્યા બકવાસથી વધારે કંઈ જ નથી.