પરિવારની સંમતીથી હિન્દુ મહિલા સાથે લગ્ન કરનારા મુસ્લિમ યુવકને જામીન
કોર્ટે પોતાની ઓળખ છુપાવીને હિન્દુ છોકરી સાથે લગ્ન કરનારા આરોપી મુસ્લિમ યુવકને જામીન આપ્યા છે. આ દરમિયાન કોર્ટે ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટે કહ્યું કે બે લોકોને ફક્ત એટલા માટે સાથે રહેવાનો ઇનકાર કરી શકાય નહીં કારણ કે તેઓ અલગ અલગ ધર્મના છે.
હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યાના 6 મહિના પછી કોર્ટે મુસ્લિમ યુવકના જામીન મંજૂર કર્યા છે. યુવક 6 મહિનાથી જેલમાં હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ન અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આરોપી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ વ્યક્તિએ ઉત્તરાખંડની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2025 માં, ઉત્તરાખંડ હાઈકોર્ટે આ વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ યુવકે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
મુસ્લિમ યુવકને ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2018 અને ભારતીય ન્યાય સંહિતા, 2023 ની જોગવાઈઓ હેઠળ તેની ધાર્મિક ઓળખ છુપાવવા અને છેતરપિંડી દ્વારા હિન્દુ મહિલા સાથે લગ્ન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હવે મુસ્લિમ યુવક પર કરવામાં આવેલી કાર્યવાહી અને રજૂ કરાયેલ ઘટનાના સિદ્ધાંત પર વિવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
હવે કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે, કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે, રાજ્યને મુસ્લિમ યુવક અને તેની પત્ની સાથે રહેવા સામે કોઈ વાંધો ન હોવો જોઈએ, ખાસ કરીને જ્યારે તેમના લગ્ન તેમના માતાપિતા અને પરિવારના સભ્યોની ઇચ્છા અનુસાર થાય છે.કોર્ટે પોતાનો ચુકાદો આપતાં વધુમાં કહ્યું કે આ લગ્ન બંને પરિવારોની સંમતિ અને હાજરીથી થયા હતા. અરજદારના વકીલે કોર્ટને એમ પણ કહ્યું કે લગ્નના બીજા જ દિવસે મુસ્લિમ યુવકે સોગંદનામું દાખલ કર્યું હતું. જેમાં તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેની પત્ની તેના ધર્મનું પાલન કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે અને તે તેને તેનો ધર્મ બદલવા માટે પણ નહીં કહે.