ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં સંગીતકારની ધરપકડ
આસામના પ્રસિદ્ધ ગાયક ઝુબીન ગર્ગના મોતના રહસ્યની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમે (SIT) આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ટીમે મ્યુઝિશિયન શેખર જ્યોતિ ગોસ્વામીની ધરપકડ કરી છે. તે સિંગાપોરની યોટ ટ્રીપમાં ઝુબીનની સાથે જ હતો. મીડિયા રિપોર્ટ મુજબ, ગોસ્વામીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાયો છે, પરંતુ તેની સામેના આરોપોનો ખુલાસો કરાયો નથી. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, ટૂંક સમયમાં જ વધુ ધરપકડો થઈ શકે છે. ઉદ્યોગસાહસિક અને સાંસ્કૃતિક કાર્યકર શ્યામકાનુ મહંત પણ એસઆઈટીની નજર હેઠળ છે. તેમણે સીઆઈડીનો સંપર્ક કરીને આત્મસમર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત સિંગાપોર આસામ એસોસિએશનના કેટલાક સભ્યોને પણ કસ્ટડીમાં લેવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરે સિંગાપોરનાં દરિયામાં તરતી વખતે નિધન થયું હતું. રિપોર્ટ મુજબ, તેમણે લાઈફ જેકેટ પહેર્યું ન હતું અને ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું કહેવાય છે. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. બીજી બાજુ ઝુબીનની પત્નીનું કહેવું છે કે, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.