મિસ્ટર સ્ટાલીન,હિંદીનો આંધળો વિરોધ કરવાથી રાજકીય લાભ નહીં મળે
તામિલનાડુની ડીએમકે સરકારે વિધાનસભામાં રજુ કરાયેલ વર્ષ 2025-26ના બજેટના લોગોમાંથી રૂપિયાનું સત્તાવાર ચિહ્ન દુર કરતા હિંદી વિરોધી આંદોલનમાં ઘી રેડયું છે. વિવાદનું મુળ કેન્દ્રની નવી શિક્ષણ નિતિ અને એ અંતર્ગત ત્રણ ભાષા શીખવવાની જોગવાઇ છે. મોદી સરકાર આ વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવા માગે છે પણ તમિળનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેની સામે બાંયો ચડાવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી જ ત્રણ ભાષા શીખવવાની દરખાસ્ત છે પણ સ્ટાલિને એલાન કર્યું છે કે, અમને નવી શિક્ષણ નીતિ માન્ય નથી અને તમિળનાડુની સ્કૂલોમાં અમે તેનો અમલ કરવા નથી માગતા. સ્ટાલિનને સૌથી મોટો વાંધો પહેલા ધોરણથી ત્રણ ભાષા શીખવવા સામે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે, ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતની હોય એવી દરખાસ્ત સામે સ્ટાલિને દેકારો મચાવ્યો છે. સ્ટાલિનનું કહેવું છે કે, આ બહાને હિંદી ભાષા થોપવાની મથામણ થઈ રહી છે. સ્ટાલિનનું રાજકારણ હિંદીના વિરોધ પર ચાલે છે તેથી સ્ટાલિન જાહેરમાં હિંદી ભાષા સામે ભારોભાર અણગમો બતાવવાની એક પણ તક છોડતા નથી. અત્યારે પણ સ્ટાલિન મચી પડયા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુદ્દે જાહેરમાં જીભાજોડી કરી જ રહ્યા છે અને પ્રધાને તમિળોનું અપમાન કરી નાખ્યું હોવાનો મુદ્દો તેમણે છેડી જ દીધો છે.
આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી, માતૃભાષા અને રાજ્યભાષા હિન્દી એ ત્રણ ભાષાનું શિક્ષણ આપવાની ફોર્મ્યુલા બરાબર હતી પણ દક્ષિણ ભારતના રાજકીય પક્ષોની હિંદી વિરોધી માનસિકતાને કારણે હિંદી બાજુ પર મુકાઈ ગઈ. મોદી સરકારે ફરજિયાત હિંદીનું પડીકું કરી નાખ્યું પછી ખરેખર વિરોધ કરવા માટે કોઈ મુદ્દો જ નહોતો બચતો કેમ કે વિદ્યાર્થીને ત્રણ ભાષા શીખવવામાં કશું ખોટું નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે તે રાજ્યની માતૃભાષા અને અંગ્રેજી ઉપરાંત કોઈ પણ ભારતીય ભાષા ત્રીજી ભાષા રાખી શકે છે. માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ અંગ્રેજી ઉપરાંત, કોરિયન, જાપાનીઝ, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને અન્ય વિદેશી ભાષાઓ પણ શીખી શકે છે. ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતની હોય એ શરતના કારણે બે વિદેશી ભાષા ના શીખી શકાય પણ તેમાં પણ હિંદીને થોપવાની તો વાત જ નથી. તમિલનાડુમાં તમિલ અને અંગ્રેજી સિવાય દક્ષિણની બીજી કોઈ ભાષા કે પછી બંગાળી સહિતની બીજી કોઈ પ્રાદેશિક ભાષા પણ શીખવી શકાય પણ સ્ટાલિનને હિંદીના વિરોધમાં રસ છે તેથી એ કશું સાંભળવા તૈયાર નથી.