નશાબંધી રાજ્ય બિહારમાં લઠ્ઠાકાંડ સાતથી વધુ મોત, 12 ગંભીર
બે લોકોએ આંખની દ્રષ્ટિ ગુમાવ્યાના અહેવાલ
નશાબંધી રાજ્ય બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના બનતા હાહાકાર મચ્યો છે. જેના પગલે સાતથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે 12થી વધુ લોકો બીમાર પડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બિહારના સિવાન જિલ્લાના ભગવાનપુર વિસ્તારમાં સ્થિત માધર ગામમાં ઝેરી દારૂૂ પીવાથી આ મોત થયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. જો કે, સત્તાવાર હાલ કોઈ ખાતરી કરવામાં આવી નથી.
આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. વધુ તપાસ હાથ ધરવા ડીએમ અને એસપીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસના ભયથી ગ્રામજનો ઝેરી દારૂૂથી મોત થયુ હોવાની માહિતી છુપાવી પણ રહ્યા છે. જેના પગલે એક પરિવારે તો પોલીસની જાણ બહાર બારોબાર મૃતદેહનો અગ્નિદાહ કરી દીધો હતો.
ઝેરી દારૂૂ પીવાથી બે લોકોએ પોતાના આંખની દ્રષ્ટિ ગુમાવી હોવાની અહેવાલો પણ મળ્યા છે.
મશરકના બરાહીપુર ગામમાં આ ઝેરી દારૂૂ પીવાથી એકનું મોત અને બે લોકોની આંખો છીનવાઈ ગઈ છે. બેલાસપુરીમાં પણ ત્રણ મોત થયા હોવાની ચર્ચા છે. પોલીસે બે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ કૌડિયા વૈશ્ય ટોળાના અરવિંદ સિંહની અંતિમક્રિયા રાતોરાત જ પરિવારજનો અને ગ્રામજનોએ ભેગા મળી પતાવી દીધી હતી.