દિલ્હી એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટ્સ અટવાઈ, ATC સર્વરમાં ખામીને કારણે ફ્લાઈટ્સની અવર-જવરને અસર
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ ખામીને કારણે ફ્લાઇટ કામગીરી ભારે ખોરવાઈ છે. એજન્સી અનુસાર, દિલ્હી એરપોર્ટે અહેવાલ આપ્યો છે કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે ઓછામાં ઓછી 100 ફ્લાઇટ્સ મોડી પડી છે.
આ મોટા વિલંબને કારણે દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું કે, 'ATC સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહ્યો છે. ખામી વહેલી તકે દૂર કરવા DIAL સહિત તમામ હિતધારકો સક્રિય છે. મુસાફરોને વધુ માહિતી માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરાઈ હતી અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.'
મુસાફરોને થયેલી અગવડતા બદલ એરપોર્ટ મેનેજમેન્ટને ખૂબ જ દુઃખ છે. મુસાફરોને નવીનતમ ફ્લાઇટ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
સૂત્રો કહે છે કે ATCમાં સોફ્ટવેર સંબંધિત સમસ્યા IGI ખાતે ફ્લાઇટ કામગીરીમાં વિલંબનું કારણ બની રહી છે. સ્પાઇસજેટ સહિત અનેક એરલાઇન્સની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, જેના કારણે મુસાફરોને અગવડતા થઈ રહી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, "દિલ્હી એરપોર્ટ પર ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS) માં ટેકનિકલ સમસ્યાને કારણે ફ્લાઇટ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ સિસ્ટમ એર ટ્રાફિક કંટ્રોલ ડેટાને સપોર્ટ કરે છે. કંટ્રોલર્સ ફ્લાઇટ પ્લાન મેન્યુઅલી પ્રોસેસ કરી રહ્યા છે, જેના કારણે કેટલાક વિલંબ થઈ રહ્યા છે. ટેકનિકલ ટીમો શક્ય તેટલી ઝડપથી સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. અમે બધા મુસાફરો અને હિસ્સેદારોની સમજણ અને સહકારની પ્રશંસા કરીએ છીએ."
સ્પાઇસજેટ એરલાઇને પણ આ સંબંધમાં જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 'દિલ્હીમાં ATC (એર ટ્રાફિક કંટ્રોલ)ની ભીડના કારણે તમામ આગમન, પ્રસ્થાન અને તેના પરિણામે થનારી અન્ય ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. સ્પાઇસજેટે પણ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ તેમની ફ્લાઇટનું સ્ટેટસ (સ્થિતિ) તપાસતા રહે.'
