સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય, હિમાચલમાં 34નાં મોત
2020 પછી પહેલીવાર વહેલું આગમન: આજે પણ ભારે વરસાદની ચેતવણી: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અટકાવાઇ, રેડએલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ, 2020 પછી દક્ષિણપશ્ચિમ ચોમાસાએ સમગ્ર દેશમાં સૌથી વહેલો પ્રવેશ કર્યો છે. 29 જૂને દિલ્હીમાં મોસમી વરસાદ - સામાન્ય કરતાં બે દિવસ મોડો પહોંચ્યો હતો પરંતુ રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઝડપથી આગળ વધ્યો હતો.
આઇએમડીએ આજે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, દેહરાદૂન, ટિહરી, પૌરી, હરિદ્વાર અને નૈનિતાલ સહિત અનેક ઉત્તરાખંડ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. તેના પ્રતિભાવમાં, અધિકારીઓએ યાત્રાળુઓની સલામતી માટે ચાર ધામ યાત્રાને અસ્થાયી રૂૂપે અટકાવી દીધી છે. હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાના કારણે થયેલા ભૂસ્ખલનમાં યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હોટલ બનાવી રહેલા 29 કામદારોના કામચલાઉ આશ્રયસ્થાનો ધોવાઈ ગયા હતા. હાઇવેનો લગભગ 10 મીટર ભાગ ધોવાઈ ગયો હતો. વીસ કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે નવ ગુમ થયા હોવાના અહેવાલ છે. રવિવાર સવાર સુધીમાં, બે ગુમ થયેલા કામદારો - જે નેપાળી મૂળના હોવાનું માનવામાં આવે છે - ના મૃતદેહ સ્થળથી 18 કિમી દૂર યમુના નદી કિનારેથી મળી આવ્યા હતા.
પડોશી હિમાચલ પ્રદેશમાં, જ્યાં 20 જૂને ચોમાસુ આવ્યું હતું, વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે, 34 મૃત્યુમાંથી 17 ભુસ્ખલનથી અચાનક પુર આવવાથી અને અન્ય 17 લોકો વરસાદ દરમિયાન માર્ગ અકસ્માતોથી થયા છે. 1 માર્ચથી હવામાન સંબંધી ઘટનાઓમાં કુલ 374 લોકોના મોત થયા છે.
રવિવારે સાંજે જારી કરાયેલી સુધારેલી ચેતવણીમાં, હવામાન વિભાગે જણાવ્યું હતું કે: કાંગડા, મંડી, સોલન અને સિરમૌર જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ, ઉના, બિલાસપુર, હમીરપુર અને શિમલા જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે અને કુલ્લુ અને ચંબા જિલ્લાઓમાં સોમવાર સાંજ સુધી ભારે વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગે ઝારખંડના કેટલાક ભાગોમાં 1 જુલાઈ સુધી રેડ એલર્ટ પણ જારી કર્યું છે. પૂર્વ સિંહભૂમ જિલ્લામાં, ભારે વરસાદથી કોવાલીમાં એક ખાનગી રહેણાંક શાળાના પરિસરમાં પાણી ભરાઈ ગયા બાદ 162 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા. રવિવારે વહેલી સવારે પોલીસ અને ફાયર ટીમો દ્વારા બચાવ્યા પહેલા વિદ્યાર્થીઓએ છત પર રાત વિતાવી હતી.