પૈસા ફેકો નેકનું રેટિંગ મેળવો, 37 લાખની રોકડ સાથે પ ઝડપાયા
આંધપ્રદેશની ડીમ્ડ યુનિવર્સિટીની ઘટના બાદ નેકના ઇન્સ્પેકશનની વિશ્ર્વસનીયતા સામે સવાલ ઉઠયા
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થાઓને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) પાસે ઇન્સ્પેક્શન કરાવીને રેટીંગ મેળવવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સ્થિતિમાં તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી સહિત રાજયમાં અનેક સંસ્થાઓમાં નેકનું ઇન્સ્પેકશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
બીજીબાજુ આંધ્રપ્રદેશની ડીમ્ડ યુનિવર્સિટીમાં નેક ના ઇન્સ્પેક્શન માટે આવતી ટીમ દ્વારા એ ડબલ પ્લસ રેટીંગ માટે રૂૂપિયા સહિતની લાંચ લેવામાં આવી હોવાની ફરિયાદ બાદ નેક કમિટીના ચેરમેન સહિત તમામની ધરપકડ કરવામાં આવતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટના બાદ હવે નેકના ઇન્સ્પેક્શનની વિશ્વસનિયતા સામે પણ પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
યુજીસી દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાન્ટ સહિતના લાભો આપવા માટે એક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત યુજીસી દ્વારા તમામ સંસ્થાઓને નેકનું ઇન્સ્પેક્શન કરાવીને રેટીંગ મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. આ રેટીંગના આધારે યુજીસી દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ સહિતની લાભો કેટલા અને કેવી રીતે આપવા તે નક્કી કરવામાં આવતું હોય છે. સૂત્રો કહે છે કે, તાજેતરમાં સીબીઆઇ દ્વારા નેકનું ઇન્સ્પેક્શન કરતી ટીમના 10 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
આ ટીમ દ્વારા ચોક્કસ યુનિવર્સિટીને નેકનું રેટીંગ એ ડબલ પ્લસ આપવા માટે રૂૂપિયા સહિતની માંગણી કરવામાં આવી હતી. જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં નેકની ટીમના ચેરમેન, જેએનયુના પ્રોફેસર, ભોપાલની એક કોલેજના લો ફેકલ્ટીના ડીન, જેએલ બજાજ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના નિર્દેશક અને સાંબલપુર યુનિવર્સિટીન પ્રોફેસર વગેરેનો સમાવેશ થાય છે.
આ નેકની ટીમ પાસેથી સીબીઆઇએ 37 લાખ રૂૂપિયા રોકડા, 6 લેપટોપ, એક આઇ ફોન, સોનાના સિક્કા સહિતના કેટલાક દસ્તાવેજો કબ્જે કર્યા છે. આંધ્રપ્રદેશની પ્રાઇવેટ-ડીમ્ડ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નેકમાં એ ડબલ પ્લસ મેળવવા માટે મોટાપાયે નાણાંકીય લેવડ-દેવડ કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વની વાત એ કે, આ ઘટના પછી નેકની ટીમ દ્વારા જે તે યુનિવર્સિટી સાથે સેટીંગ કે ગોઠવણ કરીને અથવા તો લાંચ લઇને ઇચ્છીત રેટીગ આપવામાં આવે છે તેવું પ્રસ્થાપિત થઇ ચુક્યું છે.
રાજયમાં પણ હાલ ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓ અને પ્રાઇવેટ કોલેજો, યુનિવર્સિટીઓનુ નેક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. કેટલીક યુનિવર્સિટીઓને એ પ્લસ ગ્રેડ આપી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં હવે નેક દ્વારા અપાયેલા તમામ ગ્રેડને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે.