ગાઝાની નાકાબંધી, લોકોની હાલાકી પર મોદીનું મૌન શરમજનક: સોનિયા
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગાઝામાં ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) દ્વારા લાદવામાં આવેલી લશ્કરી નાકાબંધી અને ત્યાંની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ નાકાબંધીએ ગાઝામાં પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી દીધી છે, જ્યાં લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
એક પ્રતિષ્ઠિત અખબાર માટે લખાયેલા પોતાના લેખમાં, સોનિયા ગાંધીએ આ નાકાબંધીને માનવતા વિરુદ્ધનો જઘન્ય ગુનો ગણાવ્યો છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદે પોતાના લેખમાં લખ્યું છે કે ગાઝામાં ઇઝરાયલી સંરક્ષણ દળોએ માત્ર લશ્કરી કાર્યવાહી જ નહીં, પણ દવાઓ, ખોરાક અને બળતણ જેવા આવશ્યક પુરવઠામાં પણ ઇરાદાપૂર્વક વિક્ષેપ પાડ્યો છે. આ ક્રૂર રણનીતિએ ગાઝામાં રહેતા લોકોને ભૂખમરા, રોગ અને વંચિતતાના આરે લાવી દીધા છે.
તેમણે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં ભારતની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. પીએમ મોદી પર નિશાન સાધતા સોનિયા ગાંધીએ લખ્યું છે કે ઇઝરાયલ દ્વારા ગાઝાના લોકો પર થઈ રહેલા અત્યાચારો પર પીએમ મોદીનું શરમજનક મૌન નિરાશાજનક છે. હવે સમય આવી ગયો છે કે તેઓ ભારતે હંમેશા જે વારસાનું પ્રતિનિધિત્વ કર્યું છે તેના વતી સ્પષ્ટ અને મજબૂત શબ્દોમાં પોતાનો અવાજ ઉઠાવે.