મોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા નહીં જાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ દિવસ સિવાય અન્ય કોઈપણ દિવસે મહાકુંભમાં સ્નાન કરવા જઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
બીજી તરફ ગુરુવારે મહા કુંભમાં નાસભાગ પછી, ઉત્તર પ્રદેશ સરકારે ભીડનું સંચાલન કરવા અને ધાર્મિક મેળાવડા માટે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો તીવ્ર કર્યા છે. ગુરુવારે પણ મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ અને અન્ય ઘાટો પર એકઠા થયા હતા.
યુપી સરકારના જણાવ્યા અનુસાર, રાત્રે 8 વાગ્યા સુધી 2.06 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું. ગુરુવાર સુધીમાં 29.64 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ભીડનું દબાણ પ્રમાણમાં ઓછું હતું અને તમામ પુલને ફરીથી ખોલવામાં આવ્યા હતાં.