મોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટ
19 એપ્રિલે વડાપ્રધાન કટરા-શ્રીનગરની મુલાકાત લેનારા હતા પણ ખરાબ હવામાનથી યાત્રા મુલતવી રહેતા આતંકવાદીઓએ હુમલાનો સમય અને સ્થળ બદલ્યા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે હવે આ હુમલા અંગે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે, જે સૂચવે છે કે આતંકવાદીઓના મૂળ નિશાના પર અન્ય સ્થળો અને સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા.
હુમલાની તપાસ કરી રહેલા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મળેલી માહિતી મુજબ, પહેલગામમાં હુમલો કરતા થોડા દિવસો પહેલા આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરના અન્ય પર્યટન સ્થળો અને હોટલો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ યોજનાઓમાં ખીણ, શ્રીનગરની બહારના વિસ્તારો, દાચીગામ અને અન્ય પર્યટન સ્થળોએ હોટલોને નિશાન બનાવવાનો સમાવેશ થતો હતો.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 19 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટરા અને શ્રીનગર વચ્ચેની ટ્રેન યાત્રાને લીલી ઝંડી આપવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમની યાત્રા મુલતવી રાખવી પડી હતી. એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીની યાત્રા રદ થયાના એક દિવસ પહેલા ખીણમાં આતંકવાદીઓ સામે ચલાવવામાં આવી રહેલ સર્ચ ઓપરેશન બંધ કરી દેવાયું હતું. વરિષ્ઠ અધિકારીના મતે, જ્યારે વડાપ્રધાનની મુલાકાત રદ કરવામાં આવી, ત્યારે સંભવ છે કે ઈંજઈં સમર્થિત આતંકવાદીઓ ટ્રાલમાં છુપાયેલા હતા અને ત્યારબાદ તેમણે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો. આના પરથી એવો સંકેત મળે છે કે આતંકવાદીઓના નિશાના પર વડાપ્રધાન પણ હોઈ શકે છે અથવા યાત્રા રદ થવાથી હુમલાનું સ્થળ અને સમય બદલાયો.
જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, હોટલો અને પર્યટન વિસ્તારો ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરની બહારથી આવતા મજૂરો, હિંદુ યાત્રાળુઓ અને કાશ્મીરી પંડિતો પર પણ હુમલા થવાની ગુપ્ત માહિતી મળી હતી. કુલગામ, પુલવામા અને કાશ્મીરના અન્ય સ્થળોએ પણ હુમલાની ગુપ્ત માહિતી હતી.
લોકો ઇચ્છે છે તે ભાષામાં પાક.ને જવાબ અપાશે: રાજનાથસિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે (4 મે, 2025) દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે દેશ પર નજર નાખનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ પ્રધાન તરીકે, આપણી સરહદનું રક્ષણ કરવાની મારી જવાબદારી છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને કહ્યું કે, દેશના લોકો જે ઇચ્છે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે જ ભાષામાં દુશ્મનને જવાબ આપશે. પીએમ મોદીના નેતૃત્વમાં, તમે જે ઇચ્છો છો, તે થશે. તેમણે કહ્યું કે, વિશ્વની કોઈ શક્તિ ભારતને ભૂંસી શકે તેમ નથી. ભારત અમર રહેશે. તેમણે કહ્યું કે, સંરક્ષણ પ્રધાન તરીકે, મારા સૈનિકો સાથે દેશની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મારી છે.
પહેલગામમાં આતંકી મદદગાર યુવાનની નદીમાં કૂદકો મારી આત્મહત્યા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓને મદદ કરવાના આરોપસર સ્થાનિક પોલીસે કાશ્મીરના કુલગામ જિલ્લાના એક ગામમાં રહેતા 23 વર્ષના ઇમ્તિયાઝ અહમદ મગરે નામના યુવકને તાબામાં લીધો હતો. ઇમ્તિયાઝ મગરેએ આતંકવાદીઓને રહેવાની સાથે ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ઇમ્તિયાઝ મગરેને ગઈ કાલે સવારે પહલગામમાં જે જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો હતો ત્યાં લઈ ગઈ હતી. એ સમયે ઇમ્તિયાઝ પોલીસની પકડમાંથી છટકીને ભાગ્યો હતો અને નજીકમાંથી વહેતી વિશ્વા નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.