મોદી-શાહની એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: 5 ઓગસ્ટનું કનેકશન
બે શક્તિશાળી નેતાઓ અલગથી રાષ્ટ્રપતિને મળે તે સામાન્ય ઘટના નથી: યુનિફોર્મ સિવિલ કોડ અથવા કોઇ મોટું બિલ રજુ થઇ રહ્યાની ચર્ચા: ગોયલ, નડ્ડા અને રિજિજ્જુ શાહને મળ્યા
ગઇકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પહેલી વાર મળ્યા હતા. પીએમ મોદીને મળ્યાને ચાર કલાક પણ થયા ન હતા કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા. પીએમ મોદી અને ગૃહમંત્રી શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને લઈને દિલ્હીના પાવર કોરિડોરમાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. દરમિયાન આજે સંસદમાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા સંસદીય મંત્રી કિરણ રિજિજ્જુ શાહને મળ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એવા સમયે મળ્યા જ્યારે આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂૂ થઈ ગઈ છે. આ ઉપરાંત, વિપક્ષ બિહારમાં ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા (SIR) પ્રક્રિયા પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, શું આ મુલાકાતનો 5 ઓગસ્ટ સાથે કોઈ સંબંધ છે, કારણ કે સોશિયલ મીડિયા પર, મોદી-શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને જોડવામાં આવી રહી છે.
પીએમ અને ગૃહપ્રધાનની એક જ દિવસમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનું એક મોટું કારણ એ છે કે આવી મુલાકાતો સામાન્ય નથી. સામાન્ય રીતે, જ્યારે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રાષ્ટ્રપતિને મળે છે, ત્યારે તે કાં તો ઔપચારિક મુલાકાત હોય છે અથવા તેઓ કોઈ ખાસ પ્રસંગે સાથે જાય છે. આ બંને નેતાઓ એક જ દિવસે અને થોડા કલાકોના તફાવત સાથે રાષ્ટ્રપતિને મળે તે સામાન્ય વાત નથી. સંસદમાં ઘણા સંવેદનશીલ બિલ રજૂ કરવાની ચર્ચા થઈ રહી છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની અટકળો ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ પહેલાં દ્રૌપદી મુર્મુ સાથે મોદી-શાહની મુલાકાતને 5 ઓગસ્ટ સાથે જોડી દેવામાં આવી રહી છે. ચર્ચા થઈ રહી છે કે સરકાર 5 ઓગસ્ટે એક મોટું મહત્વપૂર્ણ બિલ લાવી રહી છે, કારણ કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો અને રાજ્યને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. આ પછી, 5 ઓગસ્ટ, 2020 ના રોજ, પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો.