મોદી ઔરંગઝેબ જેવા; રાઉતના નિવેદનથી હોબાળો
- મોદીનો શિરચ્છેદ કરવાની ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાકલ કરાઇનો વીડિયો શેર કરતાં ભાજપ નેતાઓ
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત સ્ફોટક નિવેદનોથી ચર્ચામાં રહેતા હોય છે. ઘણી વખત તેમને આ અંગે વિવાદોનો સામનો કરવો પડ્યો છે. સંજય રાઉતે હાલમાં જ પીએમ મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા તેમની સરખામણી ઔરંગઝેબ સાથે કરી છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંજય રાઉતે કહ્યું કે ઔરંગઝેબનો જન્મ પીએમ નરેન્દ્ર મોદીના ગામ પાસે થયો હતો. એટલા માટે પીએમ મોદીની વિચારસરણી ઔરંગઝેબ જેવી છે. તેમણે કહ્યું કે આ વિચારસરણી હેઠળ મહારાષ્ટ્ર પર હુમલો કરવામાં આવી રહ્યો છે. સંજય રાઉતે પીએમ મોદી વિશે આ ટિપ્પણી કરી ત્યારે મંચ પર ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા.
રાજ ઠાકરેના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે સંજય રાઉતે આ ટિપ્પણી કરી છે. રાજ ઠાકરેની અટકળોને લીધે ઉદ્ધવ ઠાકરે જૂથમાં ખળભળાટનો માહોલ છે. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવાજી પેદા થાય છે અને ગુજરાતમાં ઔરંગઝેબનો જન્મ થાય છે. રાઉતે કહ્યું કે, નરેન્દ્ર મોદીનો જ્યાં જન્મ થયો તેની નજીક ઔરંગઝેબનો જન્મ થયો હતો. એટલા માટે ઔરંગઝેબની માનસિકતા સાથે આપણી ઉપર હુમલા થાય છે.આ પહેલા પણ સંજય રાઉત અનેકવાર વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે ઔરંગઝેબ ગુજરાતમાં પેદા થાય છે અને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજનો જન્મ થાય છે.
જણાવી દઈએ કે, 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડીને જીત મેળવી હતી.એ પછીથી સીએમ પદ બાબતે બંને પક્ષો વચ્ચે મતભેદો ઉભા થયા અને ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી. પરંતુ જૂન 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં 40 ધારાસભ્યોએ બળવો કર્યો. ત્યારબાદ શિંદે બીજેપીના સમર્થનથી સીએમ બન્યા હતા. આ રીતે ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સત્તા પણ ગઈ અને શિવસેના પણ ગઈ.બીજી તરફ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે કારણ કે ભાજપના નેતાઓએ તેને ઈન્ડિયા બ્લોકની મીટિંગ કહીને શેર કર્યો હતો જ્યાં નેતાઓએ ‘મોદીનું શિરચ્છેદ કરવાનો’ કોલ આપ્યો હતો.
મને 104મી વખત ગાળ આપી, ખોપરી ઉડાવાની વાત કરી: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દિવસોમાં તેમની સરકાર છેલ્લા 10 વર્ષનું પોતાનું રિપોર્ટ કાર્ડ લોકોને રજૂ કરી રહી છે અને આગામી કાર્યકાળના પ્રથમ 100 દિવસનું આયોજન કરી રહી છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ તેમને ગાળો આપવામાં વ્યસ્ત છે. PM મોદીએ ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે આજે વિપક્ષે 104મી વખત મોદીને ગાળો આપી.પીએમ મોદીએ કાર્યક્રમમાં નિવેદન આપ્યું, ચૂંટણીની મોસમ છે. ઉત્સાહ છે. ચર્ચાનું વાતાવરણ છે. હું માનું છું કે આ લોકશાહીની સુંદરતા છે. દેશમાં પણ ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. સરકાર તેના કામના દસ વર્ષ પૂરા કરી રહ્યા છે. અમે આગામી 25 વર્ષ માટે રોડમેપ બનાવી રહ્યા છીએ અને અમારી ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ માટે પણ પ્લાન બનાવી રહ્યા છીએ.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, બીજી તરફ, અમારા વિરોધીઓ પણ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે તેઓએ 104મી વખત મોદીને ગાળો આપી છે. તેમને ઔરંગઝેબ કહેવામાં આવ્યા છે. મોદીની ખોપરી ઉડાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ હકારાત્મક છે. -વિશ્વની સૌથી મોટી ચૂંટણી નકારાત્મક બાબતો વચ્ચે ચાલી રહી છે.