મોદીજી, અમે તમારા દુશ્મન નથી, ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકરણમાં માવઠું
લોકસભા ચૂંટણી પહેલા વેરવિખેર થયેલો એનડીએ મોરચો ફરી પૂર્ણ બની જાય તો નવાઈ નહીં. જેડીયુ જેવી મોટી પાર્ટી પણ એનડીએમા ફરી સામેલ થઈ છે અને હવે બીજાના ભણકારા વાગી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે પણ એનડીએમાં આવે તેવી શક્યતા છે.
ઉદ્ધવે આજે તેનો ઈશારો કરી દીધો છે. ઉદ્ધવ ઠાકરેનું મન પણ કૂણું પડ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક મોટું નિવેદન આપ્યું છે. મોદીજી, અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા અને હંમેશા તમારી સાથે હતા. ઠાકરેના આ નિવેદન બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
રેલીને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ, હું મોદીજીને કહેવા માંગુ છું કે અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા. આજે પણ નથી. અમે તમારી સાથે હતા. શિવસેના તમારી સાથે હતી, પણ તમે જાતે જ અમને દૂર કરી દીધા. અમારો હિન્દુત્વ અને ભગવો ઝંડો હજી પણ અકબંધ છે, પરંતુ આજે ભાજપ તે ભગવો ઝંડો ફાડવાનો પ્રયાસ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે, ભાજપે જ શિવસેના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે રેલીમાં ઉદ્ધવે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી અન્ય કોઇ પણ ચૂંટણીની તુલનામાં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.
ભાજપની આગેવાનીવાળા એનડીએમાં હાલમા નાના મોટા થઈને 38 પક્ષો છે. તાજેતરમાં નીતિશ કુમાર પણ એનડીએમા સામેલ થયાં છે અને હવે ઉદ્ધવ ઠાકરે પણ પાછા આવી શકે છે. વાપસી પહેલા ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપી દીધો છે.