યુદ્ધ વિરામના નિર્ણય સંબંધ તમામ અટકળો ફગાવી મોદીએ દેશનો જુસ્સો વધાર્યો છે
ભારતે પાકિસ્તાન સામે અચાનક સ્વીકારી લીધેલા યુદ્ધવિરામે દેશનાં કરોડો લોકોને આંચકો આપી દીધો હતો અને એક યુદ્ધવિરામે અનેક સવાલ ખડા કરી દીધા હતા. તેમાં સૌથી મોટો સવાલ એ હતો કે, ભારત જીતી રહ્યું હતું તો પછી અચાનક યુદ્ધવિરામ કેમ સ્વીકારી લેવાયો? આ સવાલનો કોઈ સંતોષકારક જવાબ દેશનાં લોકોને મળી નહોતો રહ્યો તેથી લોકોમાં નિરાશા હતી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે કરેલા દેશવ્યાપી સંબોધને લોકોની નિરાશા ખંખેરવાનું કામ કર્યું છે કેમ કે મોદીએ સ્પષ્ટતા કરી છે કે, ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યો તેનો મતલબ એ નથી કે, ભારતે આતંકવાદ સામેનું યુદ્ધ કે કાર્યવાહી બંધ કરી દીધાં છે. ભારતે આ કાર્યવાહી સ્થગિત કરી છે પણ બંધ કરી નથી. મોદીના કહેવા પ્રમાણે, ભારતે યુદ્ધવિરામ એ શરતે જ સ્વીકાર્યો છે કે, પાકિસ્તાન હવે પછી ભારત સામે કોઈ આતંકવાદી હુમલો નહી કરે કે લશ્કરી કાર્યવાહી નહીં કરે.
પાકિસ્તાન જે દિવસે ભારત પર આતંકવાદી હુમલો કરશે કે લશ્કરી કાર્યવાહી કરશે એ દિવસે યુદ્ધવિરામ સમાપ્ત થઈ જશે. ભારત એ દિવસે જ ફરી પાકિસ્તાન સામે કાર્યવાહી શરૂૂ કરશે અને ભારત ફરી પાકિસ્તાન પર આક્રમણ કરશે. મોદીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે, હવે પછી પાકિસ્તાન સાથે કોઈ પણ મંત્રણા થશે તો એ આતંકવાદના મુદ્દે જ થશે અને કોઈ બેઠક થશે તો પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું લેવા અંગે જ થશે. ભારત માટે પાકિસ્તાન સાથે ચર્ચા માટે બીજો કોઈ મુદ્દો બચતો નથી.
ભારતે પીઓકે પાછું લેવા સિવાય બીજી કોઈ વાત કરવી નથી અને ભારત કોઈની મધ્યસ્થી પણ ઈચ્છતું નથી. મોદીએ સ્પષ્ટતા કરી છે કે, ભારતનું કાશ્મીર અંગે વલણ એકદમ સ્પષ્ટ છે અને આ વલણમાં કદી કોઈ ફેરફાર થવાનો નથી. મોદીએ ઓપરેશન સિંદૂર બદલ ભારતીય આર્મીને અભિનંદન આપ્યા અને પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી કાર્યવાહીને પણ બિરદાવી છે. એક વડા પ્રધાન તરીકે દેશની સેના અને લોકોનો જુસ્સો વધારવો એ તેમની ફરજ છે તેથી તેમાં કશું નવું નથી પણ પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ મુદ્દે તેમણે કરેલી સ્પષ્ટતા અત્યંત મહત્ત્વની છે. પાકિસ્તાન જે દિવસે ફરી આતંકવાદી હુમલો કરાવે એ દિવસે ભારત ફરી લશ્કરી કાર્યવાહી શરૂૂ કરશે એ વાતના કારણે ઈન્ડિયન આર્મીનો પણ જુસ્સો વધશે અને ભારતનાં લોકોનો પણ જુસ્સો વધશે. યુદ્ધવિરામ સ્વીકારીને ભારતે પાકિસ્તાન સામે નમતું નથી જોખ્યું પણ શાંતિને ખાતર પાકિસ્તાનને એક વધુ તક આપી છે એ સ્પષ્ટતા મહત્ત્વની છે.