મોબાઇલે 60 ટકાને નિશાચર બનાવ્યા, 57 ટકાની યાદશક્તિ ઘટી
વારંવાર મોબાઇલ ચેક ન કરે તો 70 ટકાને અશાંતિનો, લાઇક-કમેન્ટ નહીં મેળવનારા 77 ટકાને એકલા હોવાનો અનુભવ: મનોવિજ્ઞાન ભવનનો ચોંકાવનારો રિપોર્ટ
પરીક્ષાઓ જ્યારે નજીક આવે છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોપકોર્ન બ્રેઇન વિશે જાણવું જરૂૂરી છે. વિદ્યાર્થીઓ પણ એક જગ્યાએ જ્યારે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, વારંવાર સ્ક્રીન સમય વધવો, એક વિષયથી બીજા વિષય પર જતું રહેવું, વાંચતા વાંચતા પણ મોબાઈલ વિશે વિચારી મોબાઈલ ચેક કરતા રહેવું પોપકોર્ન બ્રેઇન નજીક લઈ જાય છે.
ઘણી વખત આપણે જોઈએ છીએ કે વ્યક્તિ એક સમયે એક વસ્તુથી તરત બીજી વસ્તુ તરફ ભટકી જાય છે. વારંવાર ફોન ચેક કરવો, એક રિલ્સ કે વિડીયો પૂર્ણ ન થયો હોય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જોવો, સતત અસ્થિર વિચારો આ બધા પોપકોર્ન બ્રેઇનના લક્ષણો છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દેસાઈ ઉન્નતિ, ગડારા બંસી અને વિંઝુડા રીંકલે ડો. ધારા આર. દોશીના માર્ગદર્શન માં 1364 લોકો પર સર્વે કરી પોપકોર્ન બ્રેઇન વિશે સર્વે કરી માહિતી એકત્રિત કરી.
પોપકોર્ન બ્રેઈન એક એવી માનસિક સ્થિતિ છે જેમાં એક પછી એક ઝડપથી વિચારો મગજમાં આવે છે.તેના પ્રતિકૂળ પરિણામો એ છે કે મગજ કોઈ પણ એક વિચાર પર સ્થિર રહી શકતું નથી. આ તે જ રીતે થાય છે જેમ રાંધવામાં આવે ત્યારે પોપકોર્નના દાણા ફૂટે છે.જ્યાં તે ડિજિટલ ટેકનોલોજી, ગેજેટ્સ, અને વારંવાર બદલાતા ડેટાની ટેવાઈ જવાથી ઊંડા અને મક્કમ વિચારો કરવા અસમર્થ થઈ જાય છે. આનાથી આપણા મગજ માટે એક સમયે એક વસ્તુ ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. મનની આ સ્થિતિ આપણી ઉત્પાદકતા અને સર્જનાત્મકતાને ખરાબ રીતે અસર કરે છે.
સરર્વેમાં બહાર આવેલા કારણો
61.2% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે.
74.5% લોકોએ કહ્યું કે તેઓ કોઈ કામ કે પ્રવૃત્તિમાં હોય ત્યારે વચ્ચે સતત સ્ક્રોલિંગ કરે છે.
56.9% લોકોએ કહ્યું કે તેઓ પોતાના મોબાઈલમાં નોટીફિકેશન આવતા જ તેને જોવા તત્પર થઈ જાય છે.
61.8% લોકોએ કહ્યું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે.
70.6% લોકોએ કહ્યું કે તેઓ વારંવાર મોબાઈલ ચેક ન કરે તો અશાંતિનો અનુભવ કરે છે.
56.9% લોકોએ કહ્યું કે જયારે તેઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોય ત્યારે અન્ય કાર્ય કરવાની ઈચ્છા થતી નથી.
74% લોકોએ કહ્યું કે નવી માહિતી મેળવવા માટે તેઓ સૌ પ્રથમ મોબાઈલનો જ વિકલ્પ પસંદ કરે છે.
70.2% લોકોએ કહ્યું કે તેઓ 1 કલાકમાં વારંવાર પોતાનો મોબાઈલ ચેક કરે છે.
80.1% લોકોએ કહ્યું કે મોબાઈલમાં નોટીફિકેશન આવ્યા બાદ જો તરત જ ચેક ન કરો તો તેમને બેચેની અનુભવાય છે.
61.6% લોકોએ કહ્યું કે દિવસ દરમ્યાન મોબાઇલનો વધુ ઉપયોગ એ રાતની ઉંઘમાં વિક્ષેપ ઉભો કરે છે.
57.1% લોકોએ કહ્યું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થાય છે.
77.4% લોકોએ કહ્યું કે લાઈક અને કમેન્ટ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના અનુભવાય છે.
51.9% લોકોએ કહ્યું કે જરૂૂરતથી વધારે એક્ટિવ રહેવાના કારણે મગજમાં હંમેશા થાકનો અનુભવ થાય છે
63.3% લોકોએ કહ્યું કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી નવા વિચારો કરવામાં અસમર્થતા અનુભવાય છે.
59.2% લોકોએ કહ્યું કે વારંવાર મૂડ સ્વિંગ્સની સમસ્યાઓથી તેઓ પરેશાન છે.
56.6% લોકોએ કહ્યું કે તેમનું મન એકથી બીજા - બીજાથી ત્રીજા વિચાર તરફ બદલાયા કરે છે.
82.1% લોકોએ કહ્યું કે તેઓ મનપસંદ કાર્ય કરતા હોય અને વચ્ચે નોટીફિકેશન આવતા તેઓનના મૂળ કાર્યને ભૂલી જાય છે.
54.6 % લોકોએ કહ્યું કે તેમને લાગે છે કે મોબાઈલમાં પસાર કરેલ સમય એ તેમના માટેનો સમય હતો.
86.4% લોકોએ કહ્યું કે સમય મર્યાદાથી વધારે મોબાઈલનો ઉપયોગ કરવો એ અયોગ્ય છે.