હરિયાણા-મહારાષ્ટ્રમાં મોબ લિંચિંગ, આ કેવું હિંદુત્વ?
ભાજપ શાસિત રાજ્યોમાં ગૌમાંસના નામે મોબ લિંચિંગનું ભૂત ફરી ધૂણ્યું છે. માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોબ લિંચિંગની બે ઘટનાઓ બનતાં સૌ સ્તબ્ધ છે. બંને ઘટનામાં ભોગ બનનારા મુસ્લિમો છે અને બે ઘટનામાંથી એક ઘટનામાં તો કહેવાતા હિંદુ ધર્મના ઠેકેદારોએ જેને ફટકાર્યો તેનું મોત પણ થઈ ગયું. હરિયાણાના ચરખી દાદરીમાં બંગાળથી મજૂરી કરવા આવેલા મજૂર સાબીર મલિકને કહેવાતા ગૌરક્ષકોએ માત્ર શંકાના આધારે એટલો ફટકાર્યો કે બિચારો મરી ગયો.
સાબીર મલિકની સાથે બીજા એક મજૂરને પણ હિંદુત્વના બની બેઠેલા ઠેકેદારોએ ફટકારેલો પણ એ બચી ગયો બીજી ઘટનામાં મહારાષ્ટ્રમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 72 વર્ષના હાજી અશરફ નામના વૃદ્ધને ગૌમાંસ લઈ જતા હોવાની શંકાના આધારે ગાળાગાળી કરીને બેરહમીથી ફટકાર્યા. સદનસીબે તેમનો જીવ બચી ગયો પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.આ બંને ઘટના શરમજનક અને આઘાતજનક છે કેમ કે સાબીર મલિક કે હાજી અશરફ પાસે ગૌમાંસ હોવાના કોઈ પુરાવા વિના માત્ર મુસ્લિમ હોવાના કારણે શંકાના આધારે ટાર્ગેટ કરવામાં આવ્યા.સૌનીના કહેવા પ્રમાણે, હરિયાણાની સરકારે ગૌમાતાની સુરક્ષા માટે કડક કાયદો બનાવ્યો છે અને આ મુદ્દે કોઈ સમાધાન ના કરી શકાય. લોકોમાં ગૌમાતા પ્રત્યે શ્રદ્ધા છે અને લોકોની લાગણીઓ જોડાયેલી છે તેથી આ પ્રકારની માહિતી આવે ત્યારે ગામના લોકો પ્રતિક્રિયા આપે છે.
ગૌમાતાની સુરક્ષા કરવી જોઈએ તેમાં કોઈને વાંધો નથી, ગૌહત્યા ના થવી જોઈએ એ પણ કબૂલ પણ ગૌહત્યા થઈ છે ખરી ? ને ગૌહત્યા થઈ હોય તો તમારી સરકાર બેઠી બેઠી શું કરે છે ? ખાલી કાયદો બનાવીને સંતોષ માની લીધો છે ?હિંદુઓ માટે ગાય પવિત્ર છે. હિંદુઓ ગાયની પૂજા કરે છે તેથી ગૌમાંસ સામે તેમને વિરોધ છે. આ પ્રકારની આસ્થામાં કશું ખોટું નથી પણ એ આસ્થાને કારણે કોઈ પણ પુરાવા વિના માત્ર શંકાશીલ બનીને કોઈની હત્યા કરી નાખો, કોઈ વૃદ્ધને ઘેરીને ફટકારો, તેની દીકરી પર બળાત્કાર કરવાની ધમકી આપો એ ધર્મ નથી ને હિંદુ ધર્મ તો બિલકુલ નથી. કમનીસીબી પાછી એ છે કે, આ પ્રકારનું હિંદુત્વ લાચાર ને એકલ-દોકલ મુસલમાનોને જોઈને જ જાગી ઊઠે છે.
બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ થાય ને આ દેશની સરકાર કશું બોલે નહીં, હિંદુવાદી સંગઠનો મોંમાં મગ ઓરીને બેસી રહે ત્યારે આ શૂરવીરોનું હિંદુત્વ જાગતું નથી. ગૌમાતાની ચિંતા કરો પણ હિંદુઓની ચિંતા પણ કરો, તેમને માટે પણ મર્દાનગી બતાવો. આ દેશમાં જ હિંદુઓની બહેન-દીકરીઓ પર બળાત્કાર થાય, તેમને બેઈજજત કરાય ત્યારે મર્દાનગી બતાવો.મોબ લિંચિંગ સભ્ય સમાજની ઘટનાઓ નથી. ટોળું કાયદો હાથમાં લઈને કોઈને ફટકારે કે હત્યા કરી નાખે એ જંગલરાજ કહેવાય ને આ દેશમાં આવું જંગલરાજ પ્રભાવી બને એ સારી નિશાની નથી.