ભારત બંધને મિશ્ર પ્રતિસાદ; કોલકાતામાં આગચંપી, બિહારમાં ટ્રેનો રોકાઇ
શ્રમકાયદાના વિરોધ અને વિવિધ માગણીઓ સાથે બેંક, વીમા, પોસ્ટલ સહિતના સરકારી વિભાગો, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો હડતાળમાં જોડાતા કામકાજ ઠપ
મજુર સંઘોએ આપેલા ભારત બંધના એલાનને અમુક રાજયોમાં સારો પ્રતિસાદ મળ્યો છે. બંગાળના કોલકાતામાં વિવિધ સંગઠનના કામકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એક સ્થળે આગ લગાડવવા પ્રયાસ કરાયો હતો. જો કે પોલીસે તત્પરતા દાખવી આગ હોલવી નાખી હતી. હાવડામાં ડાબેરી સંગઠનોના કાર્યકરોએ બંધ પડાવવા પ્રયાસ કર્યો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બિહારમાં અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચક્કાજામ કરવા રસ્તા પર ઉતર્યા હતા. બિહારમાં કેટલીક જગ્યાએ ટ્રેન રોકવા પ્રયાસ થયો હતો.
ભારત બંધમાં ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC), હિંદ મજદૂર સભા (HMS), સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU), ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC), ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર (TUCC), સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન્સ એસોસિએશન (SEWA), ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU), લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF) અને યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC)નો સમાવેશ થાય છે.
હડતાલના કારણે બેંકો, વીમા કંપનીઓ અને પોસ્ટ વિભાગની કામગીરી લગભગ બંધ રહી હતી. વીજ ક્ષેત્રના 27 લાખથી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. એ જોતા કેટલાક રાજયમાં વિજ પુરવઠાને પણ અસર થઇ શકે છે.
યુનિયન નેતાઓના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય અને પ્રાદેશિક ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા 25 કરોડથી વધુ કર્મચારીઓએ નવા શ્રમ સંહિતા અને ખાનગીકરણ સામે અને લઘુત્તમ વેતન 26,000 રૂૂપિયા અને જૂની પેન્શન યોજના જેવી માંગણીઓ માટે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. જો કે ભારતીય મજદુર સંઘ ઇન્ડીયન ઓઇલ સાથે સંકળાયેલા સંગઠનો મળી કુલ 20 સંગઠનો બંધના એલાનથી અળગા રહ્યા છે.