મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી
સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર 8 ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે X પ્લેટફોર્મ પર લખ્યું છે કે 'મિથુન દાની સિનેમેટિક સફરએ દરેક પેઢીને પ્રેરણા આપી છે. દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે આ જાહેર કરતી વખતે હું સન્માનિત અનુભવું છું.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, અગ્નિપથનો સમાવેશ થાય છે. કોલકાતામાં જન્મેલા મિથુન વ્યવસાયે અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે. અભિનેતા 350 થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યો છે. જેમાં હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મોનો સમાવેશ થાય છે. મિથને વર્ષ 1977માં મૃગયા ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તેમને તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.