ગોલ્ડ લોનમાં બે મોટી સરકારી બેંકોની ગેરરીતિ
નાણા મંત્રાલયે આ અઠવાડિયે સરકારી બેંકોને પત્ર લખીને તેમની ગોલ્ડ લોન બુકની સમીક્ષા કરવા જણાવ્યું છે. આ મામલાની જાણકારી ધરાવતા બે લોકોએ નામ ન આપવાની શરતે એનડીટીવી પ્રોફિટને આ માહિતી આપી છે.બેંકોને લખેલા પત્રમાં, નાણાકીય સેવા વિભાગે હાલની ગોલ્ડ લોન બુક, કોલેટરલ તરીકે રાખવામાં આવેલ સોનાની ગુણવત્તા અને શાખા સ્તરે વિન્ડો ડ્રેસિંગના કોઈપણ પ્રયાસોનું સંપૂર્ણ વિશ્ર્લેષણ માંગ્યું છે.
બેંકોનું નામ લીધા વિના આ લોકોએ કહ્યું કે જાહેર ક્ષેત્રની બે મોટી બેંકોએ આ પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ કરી છે. કેટલાક કિસ્સાઓમાં, રેકોર્ડમાં 18 કેરેટ સોનાના દાગીનાને 22 કેરેટ તરીકે દર્શાવવામાં આવ્યા છે. સોનાની કિંમતમાં વધારો કરીને વધુ ગોલ્ડ લોન આપવાના પ્રયાસમાં આવું કરવામાં આવ્યું હતું.
ભારતીય રિઝર્વ બેંકે બેંકોને સોનાના મૂલ્યના 75% સુધીની લોન આપવાની છૂટ આપી છે. એક વ્યક્તિએ કહ્યું કે બેંક શાખાઓ મહિનાના અંતમાં પણ લોનનું વિતરણ કરતી હતી, જ્યારે તેમના પર કોઈ કોલેટરલ નહોતું. આ પોર્ટફોલિયોનું કદ વધારવા અને માસિક બિઝનેસ લક્ષ્ય હાંસલ કરવા માટે કરવામાં આવી રહ્યું હતું.
અન્ય એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, નાણા વિભાગની આ કાર્યવાહી નાણાકીય સેવા સિસ્ટમમાં છૂટક લોનની અનિયમિતતાઓ પર કરવામાં આવી રહેલી કાર્યવાહીનો એક ભાગ છે. ગયા અઠવાડિયે આરબીઆઈએ આઈઆઈએફએલ ફાઈનાન્સને વિવિધ અનિયમિતતાઓને કારણે નવી ગોલ્ડ લોન મંજૂર કરવાનું બંધ કરવા જણાવ્યું હતું.તેણે નોન-બેંક ધિરાણકર્તાઓને તેમની ગોલ્ડ લોન બુક્સ વેચવા અથવા જામીનગીરી કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.સોનાના ભાવમાં એક વર્ષમાં 16.6 ટકાના વધારા સાથે ગોલ્ડ લોનની રકમમાં 17 ટકા વધારો થયો છે. મુલ્ય 1,01,934 કરોડ હતું. સોનાનો આજનો ભાવ ગણવામાં આવે તો આ રકમ કયાંય વધુ હશે.