‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયા
તેઓ મરજી પડે ત્યાં જઈ શકે છે : અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કૈલાશ ગેહલોત આજે પાર્ટી અને દિલ્હી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. સોમવારે સવારે ભાજપ કાર્યાલય પહોંચીને તેમણે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની અધ્યક્ષતામાં ભાજપની સદસ્યતા મેળવી હતી.
આ પહેલા કૈલાશ ગેહલોતે રવિવારે પાર્ટી છોડી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે લોકો પ્રત્યેની પાર્ટીની પ્રતિબદ્ધતાએ તેની રાજકીય મહત્વાકાંક્ષાઓને પાછળ રાખી દીધી છે. આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલા પોતાના રાજીનામાના પત્રમાં ગેહલોતે કહ્યું હતું કે લોકોના અધિકાર માટે લડવાને બદલે અમે ફક્ત અમારા રાજકીય એજન્ડા માટે લડી રહ્યા છીએ.કેજરીવાલ પર કટાક્ષ કરતા, ગેહલોતે, જેઓ આપનો એક મહત્વપૂર્ણ ચહેરો છે, તેણે શીશમહલ જેવા કેટલાક શરમજનક વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આનાથી દરેકને શંકા થાય છે કે શું આપણે હજી પણ પોતાને સામાન્ય માણસ માનીએ છીએ.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું? જ્યારે અરવિંદ કેજરીવાલને કૈલાશ ગેહલોત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેઓ આઝાદ છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો.