મણિપુરમાં ઉગ્રવાદીઓનું આર્મી જવાનો પર ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર
મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના પશ્ચિમમાં આવેલા ખાનપી ગામમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ થઇ હતી. આ અથડામણમાં યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી (UKNA) સંગઠનના ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોને ખાનપી ગામ નજીક આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. સવારે 5:30 વાગ્યે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓએ સેનાના જવાનો પર કોઈપણ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી.ત્યારબાદ થયેલ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઓપરેશન વિશે માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. ગોળીબાર દરમિયાન, ઘણા આતંકવાદીઓ ઘાયલ થયા હતા અને ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જોકે, ગોળીબાર દરમિયાન ઘણા આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. એન્કાઉન્ટર બાદ, સેનાએ ઘટનાની વિગતો આપતું નિવેદન બહાર પાડ્યું હતું. ઘટનાસ્થળેથી ભાગી ગયેલા આતંકવાદીઓને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો શક્ય તેટલી વહેલી તકે તમામ આતંકવાદીઓને શોધી કાઢવા માટે કામ કરી રહ્યા છે.
