જ્ઞાનવાપીના વ્યાસ કા તહેખાનામાં મધરાત્રે પૂજા-આરતી અને ઘંટારવ
કોર્ટના આદેશનું પ્રશાસને રાતોરાત કરાવ્યું પાલન: શયન આરતી સાથે અખંડ જયોત પ્રજ્જવલિત
વારાણસીમાં 30 વર્ષ બાદ ફરી એકવાર એ સવાર પરત આવી ગઇ જ્યારે જ્ઞાનવાપીના ‘વ્યાસ કા તહેખાના’ માં ઘંટના અવાજ સાથે આરતી ગૂંજતી હતી. જિલ્લા કોર્ટના ચુકાદા બાદ જ્ઞાનવાપી મસ્જિદના પરિસરના વ્યાસના તહેખાનામાં અડધી રાતે 2 વાગ્યે પૂજા થઇ હતી. અહીં 30 વર્ષ પહેલાં પૂજા કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી.
કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસના તહેખાનાની બહાર બુધવારે મોડી રાતે અચાનક હલચલ વધવા લાગી હતી અને રાતે 10 વાગ્યે વારાણસીના જિલ્લાધિકારી અને ડીઆઈજી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ ત્યાં બેરિકેડ હટાવાયા તથા પરિસરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. રાતે 2 વાગ્યે પોલીસ કમિશનર અને જિલ્લાધિકારી એકસાથે બહાર નીકળ્યા અને કહ્યું કે કોર્ટના આદેશનું પાલન કરી દેવાયું છે.
પોલીસ કમિશનર અશોક મુથાએ કહ્યું કે કોર્ટના આદેશ અનુસાર રસ્તો તૈયાર કરવા, બેરિકેડિંગ હટાવવાની સાથે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે એસજીએ કોર્ટના આદેશનું પાલન કર્યું છે. કેવીએમ ટ્રસ્ટના પૂજારી દ્વારા પ્રતિમા સ્થાપિત કરાયા બાદ શયન આરતી કરવામાં આવી હતી. તેની સામે અખંડ જ્યોત પ્રજ્જવળીત કરાઈ. તમામ દેવતાઓની દૈનિક આરતી- સવારની મંગળા આરતી, ભોગ આરતી, સંધ્યા આરતી, શયન આરતી કરાશે.