મુંબઈમાં મેઘ તાંડવ : કોલાબામાં 107 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ
લોકલ ટ્રેન સેવાઓ, હવાઈ વ્યવહાર ખોરવાયા, વૃક્ષો ઉખડી પડ્યા
મુંબઈમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કોલાબામાં સૌથી વધુ વરસાદ સાથે 107 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. સવારે 8.30 વાગ્યા સુધીમાં 135 mm વરસાદ પડ્યો હતો. હજી બે દિવસ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની અસર સોમવારે રેલવે સેવા પર પડી રહી છે. મધ્ય રેલવે હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઇ ગઇ છે. જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય રેલવેની મેન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જનાર લોકલ ટ્રેનો મોડી મોડી ચાલી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, કોલાબા વેધશાળા પરથી અત્યારસુધીમાં કુલ 295 mm વરસાદ વરસ્યો છે. આ ધુંઆધાર વરસાદ સાથે મુંબઈમાં મે મહિનાના વરસાદનો 107 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. અગાઉ મે,1918માં 279.4 mm વરસાદ પડ્યો હતો. એક દિવસીય વરસાદની વાત કરીએ તો, મુંબઈમાં 27 જુલાઈ, 2005માં સૌથી વધુ 944 mm વરસાદ પડ્યો હતો. જ્યારે કોલાબામાં 5 જુલાઈ, 1974માં 575 mm વરસાદ થયો હતો.
સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે એક કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમન પોઇન્ટ ફાયર સ્ટેશનમાં નોંધાયો છે. આ ઉપરાંત એ વોર્ડ ઓફિસમાં 86 મી.મી., કોલાબા પંપિંગ સ્ટેશન 83 મી.મી., મ્યુનિસિપલ હેડ ઓફિસ 80 મી.મી., ગ્રાન્ટ રોડ આઇ હોસ્પિટલ 67 મી.મી., મેમનવાડા ફાયર સ્ટેશન 65 મી.મી., માલાબાર હિલ 63 મી.મી. અને ડી વોર્ડ 61 મી.મી. વરસાદ નોંધાયો છે.
ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો પણ નોંધાયા છે. BMCને શહેરમાં 4 સ્થળોએ અને વેસ્ટર્ન સબર્બ્સમાં 5 સ્થળોએ વૃક્ષો પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સેન્ડહર્સ્ટ રોડ અને ભાયખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્ય રેલ્વે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અપ અને ડાઉન સાઇડ લોકલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે હાર્બર લાઇન સેવાઓ પણ ધીમી ગતિએ શરૂૂ થઈ છે.
મુંબઈના કુર્લા, વિદ્યા વિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે.
લોકોને ઘરની બહાર ન નિકળવા બીએમસીની અપીલ
રવિવારે 25 મેથી મુંબઈમાં વરસાદનો સિલસિલો ચાલી રહ્યો છે. તેનાથી સ્થિતિ એવી થઈ ગઈ છે કે રસ્તાથી લઈને રેલવેના પાટા સુધી પાણી ભરાયા છે. ઘણી નીચલા વિસ્તાર અને હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે. તેની અસર ટ્રાફિક પર પડી છે. અનેક રસ્તાઓમાં ટ્રાફિક જામ થયો છે. સ્પાઇસ ઝેટ સહિતની એરલાઈન્સો એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઉડાનો પ્રભાવિત થઈ શકે છે. તેથી યાત્રિકોને ફ્લાઇટ સ્ટેટસ જોવાની સલાહ આપવામાં આવી છે. એર ઈન્ડિયાએ પણ યાત્રિકોને સલાહ આપી છે. ભારે વરસાદને કારણે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ મુંબઈના લોકોને ખૂબ જ જરૂૂરી હોય તો જ ઘર છોડવાની અપીલ કરી છે. આ ઉપરાંત, BMC અને ¡ MHADAએ શહેરમાં 96 એવી ઇમારતો ઓળખી કાઢી છે જે વરસાદની ઋતુ દરમિયાન જોખમી સાબિત થઈ શકે છે. આ ઇમારતો ખાલી કરાવીને, લગભગ 3100 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.