કોલકાતાના ભીડવાળા બુરાબજાર સ્થિત હોટેલમાં ભીષણ આગ: 14નાં મોત, ઘણા ઘાયલ
પશ્ચિમ બંગાળમાં કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારની એક હોટલમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
કોલકાતાના પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે લગભગ 8:15 વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેના કારણે બુરાબજારના ભીડવાળા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો બિલ્ડિંગની બારી અને સાંકડી દીવાલોમાંથી ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ચોથા માળેથી કૂદવાનો પ્રયાસ કરતા ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે 14 મૃતદેહો મળી આવ્યા છે અને ટીમોએ ઘણા લોકોને બચાવ્યા છે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કાર્ય હજુ ચાલુ છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જોકે, તે ભીડભાડ વિસ્તાર હોવાથી ફાયર બ્રિગેડના વાહનોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડતી હતી અને સ્ટાફને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બુરા બજાર પૂર્વી ભારતનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે.
કોલકાતાના મેયર ફિરહાદ હકીમ અને પોલીસ કમિશનર મનોજ વર્માએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારે વ્યક્તિના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, પકોલકત્તાના બુરાબજારના મેચુઆ વિસ્તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં 14 લોકોના મોતથી હું ખૂબ જ દુ:ખી છું. હું ભવિષ્યમાં આવી દુ:ખદ ઘટનાઓને રોકવા માટે આગ સલામતીનાં પગલાંની સંપૂર્ણ સમીક્ષા અને વધુ કડક દેખરેખ માટે અપીલ કરું છું. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ સુભાંકર સરકારે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કોલકાતા કોર્પોરેશનની પણ ટીકા કરી હતી.