વાહન ફિટનેસ ટેસ્ટ અને રિન્યુઅલ ફીમાં 10 ગણો જંગી વધારો
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં કરાયેલા સુધારાનો તાત્કાલિક અમલ કરાશે, 10 વર્ષ પૂરા કરનાર તમામ પ્રકારના વાહનો પણ રડારમાં
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પ્રદૂષણ ઘટાડવા અને માર્ગ સુરક્ષા વધારવા માટે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જૂના વાહનો માટેના ફિટનેસ ટેસ્ટ અને રિન્યુઅલ ફીમાં 10 ગણો જંગી વધારો ઝીંકી દીધો છે. આ નવા નિયમો હેઠળ હવે માત્ર 15 વર્ષ નહીં, પરંતુ 10 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા વાહનો પણ રડારમાં આવશે.
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂૂલ્સમાં કરાયેલા પાંચમા સુધારા મુજબ આ નવા દરો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે, જેનો સીધો બોજ વાહન માલિકોના ખિસ્સા પર પડશે.
સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા નિયમોમાં સૌથી મોટો બદલાવ વાહનોની વય મર્યાદાને લઈને કરવામાં આવ્યો છે. અગાઉ 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે એક જ પ્રકારનો નિયમ હતો, પરંતુ હવે સરકારે વાહનની ઉંમર મુજબ ત્રણ અલગ-અલગ કેટેગરી બનાવી છે: 10 થી 15 વર્ષ, 15 થી 20 વર્ષ અને 20 વર્ષથી વધુ. આ નવી વ્યવસ્થા મુજબ, જેમ જેમ વાહન જૂનું થતું જશે, તેમ તેમ તેની ફિટનેસ ટેસ્ટ ફીમાં વધારો થતો જશે. આ નિયમો ટુ-વ્હીલરથી લઈને હેવી કોમર્શિયલ વાહનો સુધી તમામને લાગુ પડશે.
હેવી અને મીડિયમ કોમર્શિયલ વાહનો ઉપર સૌથી વધુ બોજ
નવા ફી માળખાનો સૌથી મોટો ફટકો હેવી અને મીડિયમ કોમર્શિયલ વાહનોને પડ્યો છે.
અગાઉ 20 વર્ષથી વધુ જૂના ટ્રક અથવા બસ માટે ફિટનેસ ફી પેટે માત્ર ₹2,500 ચૂકવવા પડતા હતા, જે હવે સીધા વધીને ₹25,000 થઈ ગયા છે.
મધ્યમ કદના કોમર્શિયલ વાહનો માટે જે ફી ₹1,800 હતી, તે હવે વધીને ₹20,000 કરવામાં આવી છે.
ખાનગી વાહન ચાલકો પણ આ ભાવવધારામાંથી બાકાત નથી.
20 વર્ષથી વધુ જૂની કારના ફિટનેસ રિન્યુઅલ માટે હવે ₹15,000 ચૂકવવા પડશે.
થ્રી-વ્હીલર રિક્ષા જેવા ત્રણ પૈડાંવાળા વાહનો માટે ફી ₹7,000 નક્કી કરવામાં આવી છે.
20 વર્ષથી જૂના બાઇક કે સ્કૂટર માટે જે ફી પહેલા નહિવત (આશરે ₹600) હતી, તે હવે વધીને ₹2,000 થઈ ગઈ છે. આ ઉપરાંત,
10 થી 15 વર્ષ જૂના વાહનો માટે પણ સામાન્ય ફીમાં વધારો કરાયો છે. જેમાં મોટરસાયકલ માટે ₹400, કાર માટે ₹600 અને હેવી વાહનો માટે ₹1,000 નો ચાર્જ રહેશે.