મરેલો મનાતો આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં દેખાયો
ખુલ્લેઆમ ફરી રહ્યો છે, સુરક્ષા એજન્સીઓ ચોંકી
જમ્મુ કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલાઓ વચ્ચે પાકિસ્તાનથી મોટા અહેવાલો સામે આવ્યા છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહર હજુ પણ જીવીત છે અને પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે મસૂદ માર્યો ગયો છે. જોકે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે જેમાં દાવો કરાઇ રહ્યો છે કે મસૂદ પાકિસ્તાનમાં સક્રિય છે અને ખુલ્લેઆમ લગ્ન પ્રસંગોમાં પણ જોડાઇ રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રે વૈશ્વિક આતંકી જાહેર કરેલો મસૂદ અઝહર પાકિસ્તાનના બહાવલપુરમાં એક લગ્ન સમારોહમાં જોવા મળ્યો હતો. એટલુ જ નહીં તેણે લગ્નમાં આવેલા લોકો વચ્ચે પોતાનું ભાષણ પણ આપ્યું હતું. પોતાના ભાષણની શરૂૂઆત તેણે કાશ્મીર અને પેલેસ્ટાઇનમાં માર્યા ગયેલા લોકોને યાદ કરીને આપી હતી. વર્ષ 2019 બાદ મસૂદ અઝહર કોઇ જાહેર સ્થળે જોવા નથી મળ્યો. પેશાવરમાં આવેલા તેના ઘર પર થયેલા વિસ્ફોટ સમયે તે સુરક્ષિત બચી ગયો હતો. જે બાદથી જ ગૂમ રહેતો હતો, જોકે હવે અચાનક જ તે જાહેર કાર્યક્રમમોમાં જોવા મળી રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા સવા મહિનાથી આતંકી હુમલા વધી રહ્યા છે. આ હુમલાઓ પાછળ પણ મસૂદ અઝહરનું સંગઠન જૈશ-એ-મોહમ્મદ જવાબદાર હોવાના અહેવાલો સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હાલ રેજિસ્ટેંસ ફ્રંટ અને કાશ્મીર ટાઇગર્સ નામના સંગઠન સક્રિય છે જેને જૈશની મદદ મળી રહી છે.