બજાર બીજા દિવસે બંબાટ! સેન્સેક્સમાં 1525 અંકનો ઉછાળો
શેરબજાર નવા વર્ષ 2025ના સળંગ બીજા દિવસે આકર્ષક તેજી સાથે સુધર્યા છે. સેન્સેક્સ આજે મોર્નિંગ સેશનમાં 700 પોઈન્ટ વધ્યા બાદ બપોરના સેશનમાં 1500 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. નિફ્ટી 310.25 પોઈન્ટના ઉછાળા સાથે 24000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. આઈટી અને ઓટો શેર્સમાં તેજી સાથે એકંદરે માર્કેટ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે સેન્સેક્સ 368.40 પોઈન્ટ વધી 78507.41 અને નિફટી 50 સ્પોટ 98.10 પોઈન્ટ વધીને 23742.90 પર બંધ રહ્યો હતો.
12 વાગ્યા બાદ શરૂૂ થયેલા બપોરના સેશનમાં શેરબજાર આકર્ષક તેજી સાથે વધ્યા હતા. સેન્સેક્સ 1525 પોઈન્ટ ઉછળી 80,032 પર પહોંચ્યો હતો. નિફ્ટી 1.03 વાગ્યે 326.95 પોઈન્ટ ઉછળી 24069.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ઉપરમાં 24082.40 થયો હતો. સવારે 11.20 વાગ્યે સેન્સેક્સ 656.09 પોઈન્ટ અને નિફ્ટી 199.75 પોઈન્ટ ઉછળી 23942.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કુલ ટ્રેડેડ 3992 પૈકી 2242 શેર્સ સુધારા તરફી અને 1628 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 288 શેર્સમાં અપર સર્કિટ અને 151 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ 18 શેર્સ 52 વીક લો અને 211 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. રોકાણકારોની મૂડી રૂૂ.4 લાખ કરોડથી વધી છે.
વૈશ્વિક સ્તરે પડકારો હળવા થતાં તેમજ ડોલર ઈન્ડેક્સની મજબૂતીના કારણે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં ધૂમ ખરીદી જોવા મળી છે. બીએસઈ આઈટી ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ 56 સ્ક્રિપ્સ પૈકી 40માં 10 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. આ સાથે ઈન્ડેક્સ 1.40 ટકા ઉછાળે અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.36 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. ડિસેમ્બરમાં ઓવરઓલ ઓટો સેલ્સ ચાર વર્ષના તળિયે પહોંચ્યા છે. જો કે, આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીને વેગ આપવા સુધારા થવાના આશાવાદ સાથે વેલ્યૂબાઈંગ જોવા મળ્યુ છે. ઓટો ઈન્ડેક્સ આજે 1.60 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.
શેરબજારમાં ઉછાળા પાછળના કારણો
1. જીએસટી કલેક્શનમાં વધારો
2. ચીનનો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ નબળો પડ્યો
3. ત્રીજા ત્રિમાસિક માટે રજૂ થનારા કોર્પોરેટ પરિણામો સકારાત્મક રહેવાનો આશાવાદ
4. આર્થિક ગતિવિધિઓમાં સુધારાનો સંકેત
5. કરેક્શન બાદ સકારાત્મક ટેક્નિકલ ટ્રેન્ડ