UNSCમાં ભારતને કાયમી સભ્ય પદ આડે ઘણા વિઘ્નો
ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં કાયમી સભ્યપદનો મુદ્દો ફરી ચર્ચામાં છે. એક તરફ યુનાઈટેડ નેશન્સના સંમેલનમાં ભારતે ફરી એક વાર યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં પોતાને કાયમી સભ્યપદ આપવાનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો તો બીજી તરફ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત વીટો પાવર સાથે યુએનએસસીનું કાયમી સભ્ય બની ગયું છે. યુએનએસસીમાં અગાઉ માત્ર પાંચ દેશો પાસે વીટો વાપર સાથે કાયમી સભ્યપદનો આ દરજજો હતો પણ હવે છ દેશો પાસે વીટો પાવર સાથે કાયમી સભ્યપદ છે.
ખેર, કહેવાની જરૂૂર જ નથી કે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી પોસ્ટને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત વીટો પાવર સાથે યુએનએસસીનું કાયમી સભ્ય બની જાય એ સમાચાર એટલા મોટા છે કે દિવસો લગી મીડિયામાં તેને લગતા સમાચારો આવ્યા કરે અને દિવસો લગી તેની ચર્ચા પણ ચાલ્યા કરે. મીડિયામાં અત્યારે એવું કશું નથી કેમ કે ભારતને હજુ પણ યુએનએસસીમાં કાયમી સભ્યપદ નથી મળ્યું કે વીટો પાવર પણ મળ્યો નથી. ભારતને વીટો પાવર સાથે યુએનએસસીમાં કાયમી સભ્યપદ મળી ગયું હોત તો આખા દેશમાં જશ્નનો માહોલ હોત. જે લોકો આ દાવાને સાચો માની બેઠાં છે તેમણે એક વાત સમજવાની જરૂૂર છે.
ભારતની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કાયમી સભ્યપદની માગ બહુ જૂની છે પણ આ માગ કદાચ ક્યારેય પૂરી નહીં થાય ને તેનું કારણ ચીન છે. યુએનએસસીના વર્તમાન પાંચ કાયમી સભ્યોમાંથી અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને ફ્રાન્સે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ યુએનએસસીમાં કાયમ સભ્યપદના ભારતના દાવાની તરફેણમાં છે પણ ચીન એકમાત્ર એવો દેશ છે જે ભારતની તરફેણમાં નથી ને કોઈ કાળે ભારતની તરફેણમાં નહીં થાય. આ વાત સમજવા માટે યુએનએસસીનું માળખું ને કાયમી સભ્યપદ માટે શું કરવું પડે એ સમજવું જરૂૂરી છે. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં કુલ 15 સભ્યો છે. યુનાઈટેડ નેશન્સના નિયમ પ્રમાણે બહુમતી સભ્યો ઠરાવની તરફેણમાં મત આપે તો ઠરાવ પસાર થાય પણ સાથે સાથે નિયમ છે કે સિક્યુરિટી કાઉન્સિલના પાંચ કાયમી સભ્યોમાંથી કોઈ વીટો વાપરે તો પણ ઠરાવ પસાર ના થાય. અમેરિકા સહિતના દેશો આપણને કાયમી સભ્યપદ આપવાની વાતો કરે છે પણ વાસ્તવમાં એ બધા આપણને મૂરખ બનાવ્યા કરે છે. આ વાતને સમજવા માટે થોડોક જૂનો ઈતિહાસ જાણી લઈએ.
અમેરિકા આપણને ઠાલું આશ્ર્વાસન આપ્યા કરતું તેથી આપણે છેવટે 2017ના ઓક્ટોબરમાં અમેરિકાને યુનાઈટેડ નેશન્સમાં ભારતને કાયમી સભ્યપદનો ઠરાવ લાવવા કહેલું. અમેરિકાએ પહેલાં ગલ્લાંતલ્લાં કર્યાં પછી હાથ અધ્ધર કરીને જાહેર કરી દીધું કે, ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં વીટો પાવર સાથે કાયમી સભ્યપદ મળી શકે એમ નથી. આ વાતનો સ્પષ્ટ અર્થ એ થયો કે, અત્યારે જેમને વીટો પાવર મળેલો છે એ દેશો નવા કોઈ દેશને વીટો પાવર આપવા તૈયાર નથી તેથી ભારતનો મેળ પડે એમ નથી. 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી ચીન સાથેના આપણા સંબંધો વધારે ખરાબ થઈ ગયા છે. ચીનને અત્યારે પાકિસ્તાનનાં હિતો સાચવવામાં વધારે રસ છે એ બધું જોતાં ચીન કદી ભારતની તરફેણ કરશે નહીં ને આપણને કદી યુએનએસસીમાં કાયમી સભ્યપદ મળશે નહીં. બલ્કે કોઈને પણ કાયમી સભ્યપદ મળે તેમ નથી.