સંન્યાસ લેતાં જ મનોજ તિવારીએ ફોડ્યો બોમ્બ, ધોની પર લગાવ્યો ગંભીર આરોપ
ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવવી ગમે તે ખેલાડી માટે મુશ્કેલ રહ્યું છે. જો ટીમમાં જગ્યા મળી જાય તો પડકાર લાંબા સમય સુધી ટીમમાં ટકી રહેવાનો હોય છે. ઘણા પ્રતિભાશાળી ખેલાડી ટીમમાં તો આવે છે, પરંતુ તે લાંબા સમય સુધી ટકી શકતા નથી, જ્યારે કેટલાક ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારૂૂ પ્રદર્શન છતાં ટીમમાં જગ્યા બનાવી શકતા નથી. તાજેતરમાં જ્યારે મનોજ તિવારીએ બંગાળ માટે પોતાની અંતિમ રણજી મેચ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તો તેણે પોતાના ક્રિકેટનો સૌથી મોટો અફસોસ વ્યક્ત કર્યો છે. સાથે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના વલણ પ્રત્યે પોતાની નિરાશા જાહેર કરી છે.
સંન્યાસ બાદ મનોજ તિવારીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે કોઈ દિવસ પૂર્વ કેપ્ટન ધોની પાસેથી તે જાણવા ઈચ્છે છે કે સદી ફટકારવા અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવા છતાં તેને સતત 14 મેચ સુધી કેમ બહાર રાખવામાં આવ્યો. તેણે કહ્યું કે તેને 2012માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે નજરઅંદાજ કરવામાં આવ્યો હતો, જ્યારે તે સિરીઝમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈના જેવા કેટલાક ખેલાડી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતા. તેણે કહ્યું- તક મળવા પર તેને જરૂૂર પૂછીશ. હું આ સવાલ ચોક્કસપણે પૂછીશ કે સદી ફટકાર્યા બાદ તેને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો, ખાસ કરીને તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જ્યાં કોઈ રન બનાવી રહ્યું નહોતું, ન તો વિરાટ કોહલી, ન રોહિત શર્મા ન સુરેશ રૈના. હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી.
આ સિવાય મનોજે ટેસ્ટ કેપ ન મળવા પર અફસોસ વ્યક્ત કર્યો છે. પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ઈનિંગ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના આંકડાનો હવાલો આપતા તિવારીએ કહ્યુ કે ભારતીય પસંદગીકારોએ ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રયાસો છતાં યુવરાજ સિંહને પસંદ કર્યો હતો.
તેણે આગળ કહ્યું- જ્યારે મેં 65 ફર્સ્ટ ક્લાસ મેચ પૂરી કરી હતી, તો મારી એવરેજ લગભગ 65ની હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને મેં પ્રેક્ટિસ મેચમાં 130 રન બનાવ્યા હતા, પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ અભ્યાસ મેચમાં 93 રન બનાવ્યા હતા. હું ખુબ નજીક હતો, પરંતુ તેમણે યુવરાજ સિંહની પસંદગી કરી. તો ટેસ્ટ કેપ અને સદી ફટકાર્યા બાદ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળવા છતાં મને નજરઅંદાજ કરવામાં આવ્યો. મને સતત 14 મેચો સુધી નજરઅંદાજ કરવામાં આવ્યો. જ્યારે આત્મવિશ્વાસ ટોપ પર હોય છે અને કોઈ તેને ખતમ કરી દે તો તે ખેલાડીને ખતમ કરી દેતા હોય છે.