સ્વિમસૂટ કિલરને ઝડપવા ઇન્સ્પેક્ટર ઝેન્ડે બનીને આવશે મનોજ બાજપાઇ
5 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે
એક કુખ્યાત સ્વિમસૂટ કિલર તિહાડ જેલમાંથી ફરાર થઈ જાય છે ત્યારે મુંબઈનો એક નીડર પોલીસ-ઇન્સ્પેક્ટર તેને પકડવાનું નક્કી કરે છે. આ પ્રયાસ એક રોમાંચક બિલાડી-ઉંદરની રમતમાં ફેરવાઈ જાય છે. રિયલ લાઇફમાં બિકિની કિલર તરીકે ઓળખાતા ચાર્લ્સ શોભરાજના દિલ્હીની તિહાડ જેલમાંથી ભાગી છૂટવા પછીના ઘટનાક્રમની સાચી ઘટનાથી પ્રેરિત ફિલ્મ ઇન્સ્પેક્ટર ઝેન્ડે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પાંચમી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મમાં મનોજ બાજપેયી ઇન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેની ભૂમિકામાં છે, જ્યારે જિમ સર્ભ ચાલાક ઠગ અને કુખ્યાત સ્વિમસૂટ કિલર કાર્લ ભોજરાજનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મનું નિર્માણ બોલીવુડના વિખ્યાત ડિરેક્ટર ઓમ રાઉત તથા પ્રોડ્યુસર જય શેવકરામાણી મળીને કરી રહ્યા છે. ઓમ રાઉતનું કહેવું છે કે ઇન્સ્પેક્ટર ઝેન્ડેની સ્ટોરી જોવા જેવી, યાદ રાખવા જેવી અને વધાવવા જેવી છે એટલું જ નહીં, મારા માટે એ એટલા માટે મહત્ત્વની છે કારણકે મારા પપ્પાનું સપનું છે ઇન્સ્પેક્ટર ઝેન્ડે પર ફિલ્મ બનાવવાનું.