મનમોહનસિંહે યાસિન મલિકનો આભાર માન્યો: કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના
હાલમાં જેલની હવા ખાઈ રહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકવાદી યાસીન મલિકે દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં દાવો કર્યો છે કે, પોતે પાકિસ્તાનમાં હાફીઝ સઈદ સહિતના આતંકવાદીઓને મળ્યો એ માટે એ વખતના વડા પ્રધાન ડો. મનમોહન સિંહે પોતાનો આભાર માન્યો હતો. આતંકવાદીઓને ફંડના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મલિકનું આ સોગંદનામું આમ તો બહુ જૂનું છે ને 25 એપ્રિલે કોર્ટમાં દાખલ કરાયેલું પણ રહસ્યમય રીતે અત્યારે જ મીડિયામાં ફરતું થઈ ગયું છે.
મલિકે તેના સોગંદનામામાં અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી, પી. ચિદમ્બરમ, આઈ.કે. ગુજરાલ અને રાજેશ પાઇલટ સાથેની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો છે પણ ડો. મનમોહનસિંહ સાથેની મુલાકાતની જ વાતને મીડિયામાં રજૂ કરાઈ છે. તેના કારણે એક તરફ સોશ્યલ મીડિયા પર ડો. મનમોહન સિંહ અને કોંગ્રેસને ગાળો પડી રહી છે તો બીજી તરફ તેનો રાજકીય ફાયદો ઉઠાવવાની મથામણ પણ ચાલુ થઈ ગઈ છે.
મલિકના સોગંદનામામાં કરાયેલા દાવા પ્રમાણે, ડો. મનમોહન સિંહ સરકારે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવા માટે પાછલા બારણે વાટાઘાટો શરૂૂ કરી તેના ભાગરૂૂપે ઈન્ટેલિજન્સ બ્યુરોના સ્પેશિયલ ડિરેક્ટર વી.કે. જોશી સહિતના ટોચના ઈન્ટેલિજન્સ ઓફિસરે તેને પાકિસ્તાન મોકલ્યો હતો. મલિકના દાવા પ્રમાણે, 2005ના કાશ્મીર ભૂકંપ પછી મલિક પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જોશી તેને દિલ્હીમાં મળ્યા હતા. જોશીએ મલિકને પાકિસ્તાન યાત્રાનો ઉપયોગ પાકિસ્તાનના શાસકો તેમજ આતંકવાદીઓનો સંપર્ક સાધવા માટે કરવા કહ્યું હતું કે જેથી વડા પ્રધાન ડો. મનમોહન સિંહના શાંતિના પ્રયાસોને વેગ મળે.
મલિકનો દાવો છે કે, જોશી સહિતના અધિકારીઓ દ્વારા તેને સાફ શબ્દોમાં કહેવાયેલું કે, આતંકવાદીઓને વાતચીતમાં સામેલ નહીં કરાય ત્યાં સુધી પાકિસ્તાન સાથેની વાટાઘાટોમાં કંઈ પરિણામ આવશે નહીં તેથી પોતે સઈદ અને અન્ય આતંકીઓને મળવા સંમત થયો હતો. સઈદે આતંકી જૂથોની બેઠક બોલાવી હતી ને તેમાં ચર્ચાઓ થઈ હતી મલિકના દાવા પ્રમાણે, આઈબી સાથે વાત કર્યા પછી, તેને સીધું વડા પ્રધાનને રિપોર્ટિંગ કરવા કહેવાયું હોવાથી મલિક પાકિસ્તાનથી દિલ્હી પાછો ફર્યો ત્યારે જોશી તેને હોટલમાં મળ્યા હતા અને ડો. મનમોહન સિંહની મુલાકાતનો તખ્તો તૈયાર કર્યો હતો. ભાજપની વાત સાચી છે પણ મૂળ મુદ્દો એ છે કે, યાસિન મલિકની વાત સાચી માની શકાય ખરી ?
બિલકુલ ના માની શકાય કેમ કે યાસિન મલિક છાપેલું કાટલું છે અને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે તેને આજીવન કેદની સજા થઈ છે તેથી તિહાર જેલમાં તળિયાં તપાવી રહ્યો છે. મલિકે તો પોતાની આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ હોવાનો પણ ઈન્કાર કર્યો છે તો તેની એ વાત પણ સાચી માનીશું ? મલિક તો પોતે વરસોથી આતંકવાદ છોડીને ગાંધીવાદી થઈ ગયો હોવાનો દાવો કર્યા કરે છે અને પાકિસ્તાન સાથે કંઈ લેવાદેવા નથી એવી વાતો પણ કર્યા કરે છે. મલિક લોકોને બતાવવા આતંકવાદ છોડી દીધાનો દેખાડો કર્યો પણ અંદરખાને એ હજુય આતંકવાદી જ છે.