રાજકીય ઇચ્છાશક્તિના અભાવે મણિપુર બીજું કાશ્મીર બન્યું છે
મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે અને હવે આ હિંસાની ઝાળ આસામ સુધી પહોંચી છે. મણિપુરની હિંસાના અસરગ્રસ્તો માટે આસામ-મણિપુર સરહદ પાસે રાહત કેમ્પ બનાવાયા છે. મણિપુરના જીરીબામ જિલ્લામાં પોલીસ સ્ટેશનની નજીક મણિપુર હિંસાથી વિસ્થાપિત મૈતેઈ સમુદાયના લોકો માટેની રાહત શિબિરમાંથી છ લોકો ગાયબ થઈ ગયેલા. એક દિવસ પછી જીરી નદીમાં આ છ પૈકીની એક મહિલા અને બે બાળકોના મૃતદેહ તરતા જોવા મળ્યા. આ ઘટનાના એક દિવસ પછી કહેવાતા કુકી ઉગ્રવાદીઓએ પોલીસ સ્ટેશન અને સીઆરપીએફ ચોકી પર હુમલો કર્યો હતો. સામે જવાનોએ પણ ગોળીબાર કર્યો તેમાં 10 આતંકવાદી માર્યા ગયા. તેના કારણે આખા મણિપુરમાં પાછો તણાવ છે.
કુકી સમુદાયના લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે. સૈનિકોની જેમ યુનિફોર્મ પહેરીને આવેલા આતંકવાદીઓ પાસેથી 3 એકે રાઇફલ, 4 એસએલઆર, 2 ઇન્સાસ રાઇફલ, એક આરપીજી, 1 પંપ એક્શન ગન, બીપી હેલ્મેટ અને મેગેઝિન મળી આવ્યા હોવાનું કહેવાય છે. મણિપુર સાવ ટચૂકડું રાજ્ય છે. મણિપુરનો વિસ્તાર 22,327 ચોરસ કિલોમીટર છે એ જોતાં 196,024 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા ગુજરાતના વિસ્તારના માંડ 12 ટકા વિસ્તાર થયો જ્યારે વસતી તો 28.55 લાખ છે એ જોતાં ગુજરાતની કુલ વસતીના 4 ટકા વસતી થઈ. આટલી ઓછી વસતી ને વિસ્તાર ધરાવતા મણિપુરમાં હિંસાને લગભગ 500 દિવસ થઈ ગયા પણ ભાજપ સરકાર આ હિંસાને ડામી શકતી નથી તેના કરતાં વધારે શરમજનક બીજું શું કહેવાય ?
મણિપુરમાં ભાજપની સરકાર છે અને એન. બિરેનસિંહ હિંસાનો રોકી જ નથી શકતા છતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નથી બિરેનસિંહને બદલતી કે નથી પોતાના હાથમાં સત્તા લઈ લેતી. તેનું કારણ કદાચ એ છે કે, અત્યારે પણ મણિપુરનો વહીવટ તો દિલ્હીથી જ થઈ રહ્યો છે. બિરેનસિંહને હટાવીને મોદી સરકાર રાષ્ટ્રપતિશાસન લાદીને સીધો વહીવટ કરે ને છતાં જમ્મુ અને કાશ્મીરની જેમ હિંસાને કાબૂમાં ના રાખી શકાય તો દોષનો ટોપલો પોતાના પર આવે તેથી મોદી ડરી રહ્યા છે. મોદી સાહેબ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં ડંફાશો મારી રહ્યા છે કે, હવે આતંકવાદીઓ પોતાનાં ઘરોમાં રહેતાં પણ ફફડી રહ્યા છે ને સાવ ટચૂકડું મણિપુર ભડકે બળી રહ્યું છે તેની આગ ઓલવી શકાતી નથી. આતંકવાદીઓમાં ડર હોય તો આ ડર મણિપુરમાં કેમ દેખાતો નથી ?
કેન્દ્ર સરકારની નિષ્ફળતાના કારણે મણિપુર બીજું જમ્મુ અને કાશ્મીર બની રહ્યું છે. જમ્મુ અને કાશ્મીર કાશ્મીર ખીણ અને જમ્મુ એમ બે ભાગમા વહેંચાઈ ગયું છે એમ અત્યારે મણિપુર પણ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે. પહાડી જિલ્લાઓમાં કુકી અને મેદાની જિલ્લાઓમાં મૈતેઈનું વર્ચસ્વ છે. આ બંને વિસ્તારો વચ્ચે સીમાઓ દોરવામાં આવી છે કે જેથી આર્મીને પણ ક્યો વિસ્તાર કોનો છે તેની ખબર પડે.